અમદાવાદ: ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો : ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર આયોજિત આ સેમિનારમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓને બદલાતા પ્રવાહો અને ટેકનોલોજીના પ્રભાવ વિશે વરિષ્ઠ મીડિયા તજ્જ્ઞોએ ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કન્ટેન્ટની મજબૂતી અને વિશ્વસનીયતા અનિવાર્ય
વરિષ્ઠ પત્રકાર નરેશ દવેએ ‘કન્ટેન્ટ ઇઝ કિંગ’નો મંત્ર આપતા જણાવ્યું હતું કે, માધ્યમ ભલે બદલાય પરંતુ જો લખાણમાં સત્યતા અને સચોટતા હશે તો જ પત્રકાર ટકી શકશે. તેમણે ‘મિસ-ઇન્ફોર્મેશન’ અને એઆઈ (AI) દ્વારા ફેલાતી ભ્રામક માહિતી સામે સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. વરિષ્ઠ સંપાદક અજય નાયકે ઉમેર્યું કે, જ્યારે ડિજિટલ મીડિયામાં ઝડપનું મહત્વ છે, ત્યારે અખબારો આજે પણ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને વિશ્વસનીયતાનો મજબૂત પાયો છે.
મીડિયા ઇકોનોમી અને ટેકનોલોજીનો વ્યાપ
ગાંધીનગરના સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે ભારતમાં પત્રકારત્વ હવે ૨.૩ ટ્રિલિયન રૂપિયાની ઇકોનોમી બની ચૂક્યું છે. ૭૨ કરોડ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના આ યુગમાં સમાચાર ‘પેરિસેબલ પ્રોડક્ટ’ જેવા છે, તેથી તેની પ્રસ્તુતિમાં માનવીય વિવેકબુદ્ધિ જાળવવી જરૂરી છે.
માઇન્ડસેટ અને ભાષાની સજ્જતા
ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ પત્રકારત્વમાં ‘માઇન્ડસેટ’ (વિચારશૈલી) નું મહત્વ સમજાવતા કહ્યું કે, ટેકનોલોજી તો બદલાતી રહેશે, પરંતુ માનવીય સંવેદનાનો વિકલ્પ મશીન ક્યારેય બની શકશે નહીં. તેમણે વિદ્યાર્થીઓને એક સારા ‘કાનસેન’ (સાંભળનાર) બનીને ભાષાકીય સજ્જતા કેળવવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીએ આભારવિધિ કરી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ઉપસ્થિત રહીને પ્રશ્નોત્તરી દ્વારા પોતાની જિજ્ઞાસા સંતોષી હતી.
