આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંતિમ માસ માર્ચ દરમિયાન વેરા વસૂલાતની પ્રક્રિયાને વેગ આપવા માટે એક સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા કમિશનરની સૂચના મુજબ, માર્ચ મહિનામાં આવતા તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ટેક્સ વિભાગની કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે. આ નવી સવલતના પ્રથમ રવિવારના રોજ જ જાગૃત નગરજનોએ ઉત્સાહપૂર્વક ₹2.48 લાખનો બાકી વેરો જમા કરાવ્યો હતો.
સમય અને સ્થળની વિગતો
મહાનગરપાલિકા વિસ્તારના નગરજનો પોતાનો બાકી વેરો સરળતાથી ભરી શકે તે માટે તમામ કચેરીઓ ખાતે ટેક્સ વિભાગ સવારના 11:00 કલાકથી બપોરના 16:00 કલાક સુધી કાર્યરત રહેશે. આ સુવિધાનો લાભ નીચે મુજબના વિસ્તારોના મિલકતધારકો લઈ શકશે:
- આણંદ અને કરમસદ
- વલ્લભ વિદ્યાનગર અને મોગરી
- ગામડી, જીટોડીયા અને લાંભવેલ
31 માર્ચની સમયમર્યાદા પૂર્વે વેરો ભરવા અનુરોધ
ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચ 2026 ના રોજ પૂર્ણ થતું હોવાથી, મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને તેમનો બાકી પડતો વેરો સમયમર્યાદામાં ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે નગરજનોને હજુ સુધી માંગણા બિલો (Tax Bills) મળ્યા નથી, તેઓએ તાત્કાલિક મહાનગરપાલિકા ઓફિસનો સંપર્ક કરીને બિલો મેળવી લેવા અને દંડનીય કાર્યવાહીથી બચવા સમયસર ચુકવણી કરવા જણાવાયું છે.
મહાનગરપાલિકાના આ નિર્ણયથી નોકરીયાત વર્ગ કે જેઓ અઠવાડિયા દરમિયાન વ્યસ્ત હોય છે, તેઓ રવિવારની રજામાં સરળતાથી પોતાની નગરપાલિકા પ્રત્યેની જવાબદારી અદા કરી શકશે.
