વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રોયલ અને પ્રીમિયમ ગરબા તરીકે જાણીતા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજિત ‘LVP હેરિટેજ ગરબા’ (LVP Heritage Garba) માં આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન હજારો રૂપિયાના મોંઘા પાસ ખરીદીને આવેલા ખેલૈયાઓને નબળી અને અસ્તવ્યસ્ત પાર્કિંગ વ્યવસ્થાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાર્કિંગ સિક્યોરિટી અને બાઉન્સરો સાથે ખેલૈયાઓની ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ગુસ્સે ભરાયેલા ખેલૈયાઓએ પેલેસ બહારના મુખ્ય રસ્તા પર વાહનોના સતત હોર્ન વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે રોડ પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટનાની મળતી વિગતો અનુસાર, ગરબામાં ભાગ લેવા માટે આવેલા ખેલૈયાઓ પાસેથી મોંઘાદાટ પાસના નાણાં વસૂલવામાં આવ્યા હોવા છતાં, ગ્રાઉન્ડ નજીક પૂરતી પાર્કિંગ જગ્યા ફાળવવામાં આવી નહોતી. ખેલૈયાઓને પોતાના કિંમતી વાહનો ૧ થી ૧.૫ કિલોમીટર દૂર અસુરક્ષિત અને અગવડભરી જગ્યાઓએ પાર્ક કરીને ચાલીને ગરબા સ્થળ સુધી પહોંચવાની ફરજ પડી હતી. જ્યારે લોકોએ આ અંગે ત્યાં તૈનાત પાર્કિંગ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ્સને રજૂઆત કરી, ત્યારે બાઉન્સરો અને કર્મચારીઓએ અસભ્ય અને આક્રમક વર્તન કર્યું હોવાનો ખેલૈયાઓએ ગંભીર આરોપ લગાવ્યો છે. ગરબામાં વાહનોની લાંબી કતારો અને સિક્યોરિટીના અસહકારપૂર્ણ વલણને કારણે સ્થિતિ ઉગ્ર બની હતી.
વિવાદ વધતાં જ ગરબા રસીલો અને વાહનચાલકોએ એકઠા થઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી અને મોબાઇલ વિડીયોમાં જોઈ શકાય છે કે ખેલૈયાઓ એકસાથે પોતાના વાહનોના હોર્ન વગાડીને આયોજકોની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘર્ષણના કારણે લક્ષ્મી વિલાસ પેલેસની બહાર આવેલા મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. કલાકો સુધી ખેલૈયાઓ અને સ્થાનિક વાહનચાલકો રસ્તા પર અટવાઈ રહ્યા હતા, જેનાથી ગરબાની ખુશીઓ આક્રોશમાં ફેરવાઈ ગઈ હતી.
આ ઘટના બાદ આયોજકો સામે રોષ વ્યક્ત કરતાં ખેલૈયાઓએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે પ્રતિ ક્યુપન કે પાસ દીઠ મોટી રકમ વસૂલવામાં આવે છે, ત્યારે પ્રાથમિક સુવિધા જેવી કે યોગ્ય પાર્કિંગ અને સુરક્ષા કેમ પૂરી પાડવામાં આવતી નથી? આટલું જ નહીં, વડોદરા શહેર ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ખડા થયા છે કે આટલા મોટા હાઈ-પ્રોફાઈલ ગરબા આયોજન વખતે રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ અને પાર્કિંગ વ્યવસ્થાનું સજ્જ પ્લાનિંગ કેમ કરવામાં આવ્યું નહોતું. આગામી નોરતાઓમાં આવી અસહ્ય સ્થિતિ ન સર્જાય તે માટે આયોજકો તાત્કાલિક ધોરણે પાર્કિંગ સુધારણા અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરે તેવી ખેલૈયાઓએ પ્રબળ માંગ કરી છે.
