ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે પશુપાલન અને સહકારી ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં એક નવો જ સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવારના રોજ ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ભવ્ય કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન ભીલડીમાં ૧૨૭ એકર જેટલી વિશાળ જમીનમાં અંદાજે રૂ. ૩૨૫ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) ને દેશના પશુપાલકોને સમર્પિત કરશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના ટેકનિકલ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ના સહયોગથી આકાર પામેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારવામાં અને ડેરી વ્યવસાયને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેન્દ્રમાં પશુઓની ઓલાદ સુધારવા માટે ટેસ્ટટ્યૂબ બેબી જેવી અત્યાધુનિક પ્રજનન પદ્ધતિઓ (OPU-IVF) અને ગર્ભ પ્રત્યારોપણ જેવી આધુનિક વૈજ્ઞાનિક તકનીકોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે ઉત્તમ ઓલાદની ગાય વર્ષમાં માત્ર એક જ વાછરડું આપે છે, પરંતુ આ નવી ટેકનોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ ગાયમાંથી એક વર્ષમાં અનેક વાછરડાં પ્રાપ્ત કરી શકાશે. આ કેન્દ્રમાં દર વર્ષે ૨૫,૦૦૦ જેટલા ઉત્તમ ગર્ભ તૈયાર કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેનાથી ભવિષ્યની દરેક પશુ પેઢી અગાઉ કરતાં વધુ દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી બનશે.

વધતા જતા ખર્ચ અને ઘાસચારાની ઘટતી જતી જગ્યા વચ્ચે આ કેન્દ્રનો મુખ્ય મૂળમંત્ર ‘ઓછાં પશુ, વધુ ગુણવત્તાવાળાં પશુ અને વધુ દૂધ’ મેળવવાનો છે. ભીલડી ખાતે તૈયાર થનાર આ સેન્ટરમાં આપણી ગૌવંશની શાન સમાન કાંકરેજ, ગીર, સાહીવાલ અને થારપારકર તેમજ ભેંસોની ઉત્તમ ઓલાદો જેવી કે મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહની જાતો સુધારવામાં આવશે. પશુઓની ઓલાદ શ્રેષ્ઠ બનવાથી પ્રત્યેક પશુમાંથી દૈનિક ધોરણે વધુ દૂધ મળી રહેશે, જેથી પશુપાલન માત્ર ગુજરાન ચલાવવાનું સાધન ન રહેતાં આર્થિક રીતે વધુ નફાકારક વ્યવસાય બની રહેશે.
આ અદ્યતન કેન્દ્રનો સીધો અને મોટો લાભ ગામડાંના નાના પશુપાલકો તેમજ ડેરી ઉદ્યોગમાં ૭૦ ટકા જેટલો મોટો ફાળો આપતી ગ્રામીણ બહેનો સુધી પહોંચશે. ભીલડી ખાતે ઉછરેલા રોગમુક્ત અને ઉત્તમ ઓલાદના સાંઢ, ઉચ્ચ ગુણવત્તાવાળું સીમેન તેમજ સસ્તા દરે ગુણવત્તાસભર ગર્ભ પશુપાલકોના ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી પશુપાલકોનો દૂધ ઉત્પાદનનો ખર્ચ ઘટશે, દૂધમાં ફેટનું પ્રમાણ વધશે અને ગ્રામીણ પરિવારની આર્થિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. સહકારી સંસ્થાની મજબૂતાઈ, નિષ્ણાતોનું માર્ગદર્શન અને સરકારના સહયોગનું આ કેન્દ્ર સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આપણી દેશી ગાયો અને ભેંસો ગરમી સામે ટકી રહેવા અને ઓછા ખોરાકમાં પણ વધુ દૂધ આપવા સક્ષમ છે, જેના કારણે આ પહેલ ભારતના ડેરી ક્ષેત્રને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવશે.
