સુરત: ગુજરાતમાં એક તરફ સામાન્ય નાગરિકો માટે કાયદા અને જાહેરનામાના કડક નિયમોનું પાલન કરાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓ જાણે નિયમોથી પર હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા છે. વોર્ડ નંબર ૨૬ના ભાજપના વિવાદાસ્પદ કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત તેમના જન્મદિવસની જાહેરમાં થયેલી ઉજવણીના કારણે ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. તેમની ઉજવણીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા જાહેરમાં એક મોટા ‘તાયફા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને જાહેર સ્થળ પર નિયમોનો ભંગ થયો હોવાનું દેખાય છે. તહેવારો કે જાહેર કાર્યક્રમો દરમિયાન પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ખુલ્લો ભંગ આ વીડિયોમાં નજરે પડે છે.
અમિત સિંહ રાજપૂત અગાઉ પણ અનેક વખત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. આ ઘટનાએ સુરતમાં એક મોટો સવાલ ઊભો કર્યો છે કે, શું જાહેરનામું અને કાયદા માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે, જ્યારે રાજકીય નેતાઓ માટે તે લાગુ પડતા નથી?
પોલીસ કાર્યવાહી પર સૌની નજર:
જાહેરનામાના ભંગના સ્પષ્ટ પુરાવા હોવા છતાં, હવે સવાલ એ છે કે સુરત શહેર પોલીસ આ મામલે કેવા પગલાં લે છે. અગાઉ પણ સત્તાધારી પક્ષના અન્ય એક વોર્ડ પ્રમુખની આવી જ ઉજવણી સામે આવી હતી. હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે, શું સત્તાધારી પક્ષના આ કોર્પોરેટર સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કે પછી અન્ય નેતાઓની જેમ આ મામલે પણ તેમને કાયદામાંથી મુક્તિ મળશે.
આ ઘટનાએ વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ વચ્ચેના કાયદાના અમલના તફાવતને વધુ ઉજાગર કર્યો છે.
