વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી શિક્ષણ જગતમાં બોમ્બની ધમકીને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ખાસ કરીને ડભોઈ તાલુકાની શાળાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડભોઈના વેગા સ્થિત એવલોન વર્લ્ડ સ્કૂલ (AWS) ને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી અને પોલીસ કાફલો તપાસ માટે પહોંચી ગયો હતો.
ડભોઈમાં વધુ એક શાળા ‘મહદેવિયા સાર્વજનિક’ ને પણ ધમકી
એવલોન સ્કૂલ બાદ ડભોઈ ટાઉનની જાણીતી મહદેવિયા સાર્વજનિક સ્કૂલને પણ સવારે ૮:૧૧ વાગ્યે ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હોવાની વિગતો બહાર આવી છે. ડભોઈ પી.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ હાલમાં શાળા પરિસરમાં સઘન તપાસ કરી રહ્યો છે. એકસાથે બે શાળાઓને નિશાન બનાવવામાં આવતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે.
વડોદરા શહેરની આ ૧૬ શાળાઓને મળી ધમકી
માત્ર ડભોઈ જ નહીં, પરંતુ વડોદરા શહેરની પણ નામી શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, અંદાજે ૧૩ થી ૨૦ શાળાઓને આ પ્રકારે નિશાન બનાવાઈ છે, જેમાં નીચે મુજબની મુખ્ય સ્કૂલોનો સમાવેશ થાય છે:
૧. ઉર્મિ સ્કૂલ, સમા
૨. નાલંદા સ્કૂલ, સેવાસી
૩. ડી.આર. અમીન, વાસણા
૪. બરોડા હાઈસ્કૂલ, બગીખાના
૫. નવયુગ સ્કૂલ, સમા
૬. જીવન સાધના, નાગરવાડા
૭. સાનેન સ્કૂલ, કારેલીબાગ
૮. જી.પી.એસ. સ્કૂલ, વાઘોડિયા રોડ
૯. બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા રોડ
૧૦. ડોન બોસ્કો, માંજલપુર
૧૧. આત્મીય વિદ્યાલય, માંજલપુર
૧૨. બીલાબોંગ અને ઓક્ઝોલિયમ, માંજલપુર
૧૩. જેનીથ સ્કૂલ અને અમેરિકન સ્કૂલ.
CBSE પરીક્ષા પહેલાં જ ગભરાટ ફેલાવવાનો પ્રયાસ?
આવતીકાલથી જ CBSE બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે જ આ પ્રકારે ઈમેઈલ મળતા અનેક સવાલો ઉભા થયા છે. વડોદરા પોલીસ કમિશનરે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, “તમામ એજન્સીઓ તપાસમાં જોડાયેલી છે, વાલીઓએ નિશ્ચિંત રહીને બાળકોને પરીક્ષાની તૈયારી કરવા દેવી.”
ગૃહ મંત્રાલય અને સાયબર ક્રાઈમ સાથે સંકલન
વડોદરા પોલીસ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધીને તપાસ કરશે. આ ઈમેઈલનું સોર્સ જાણવા માટે હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કમ્પ્યુટર રિસ્પોન્સ ટીમ (CERT-In) અને સાયબર ક્રાઈમની મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત હોઈ શકે છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે દરેક શાળાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
