Saturday, 31 October 2026
  • Home  
  • વડોદરામાં ‘કમરતોડ ખાડા’ : મેયર અને મ્યુનિ. કમિશનરે અધિકારીઓનો લીધો ક્લાસ
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં ‘કમરતોડ ખાડા’ : મેયર અને મ્યુનિ. કમિશનરે અધિકારીઓનો લીધો ક્લાસ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર કમરતોડ અને વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. વાહનચાલકો દરરોજ પોતાના જીવના જોખમે ખાડાઓથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સામેથી કોઈ વાહન ન આવતું હોવા છતાં, માત્ર ખાડાના […]

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર કમરતોડ અને વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. વાહનચાલકો દરરોજ પોતાના જીવના જોખમે ખાડાઓથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સામેથી કોઈ વાહન ન આવતું હોવા છતાં, માત્ર ખાડાના કારણે વાહનચાલકો સ્લિપ થઈને પડી રહ્યા હોવાની અને અકસ્માતનો ભોગ બનવાની અનેક ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. સ્માર્ટ સિટીના મોટા-મોટા દાવાઓ માત્ર પાલિકાના કાગળો પર જ સીમિત રહ્યા હોવાનો આક્રોશ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે.

આ ગંભીર સ્થિતિ અને સ્થાનિકોના વિરોધને ધ્યાને રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) નું તંત્ર દોડતું થયું છે. મેયર ગીતાબેન મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આજે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજીને બેદરકાર અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો.

રસ્તાઓ પર પડેલા ખાડા અંગે સ્પષ્ટતા કરતા મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, વરસાદ સતત ચાલુ હોવાના કારણે હાલ કરવામાં આવતું પેચવર્ક પાણીના લીધે ધોવાઈ જાય છે અને ટકતું નથી. વરસાદ પૂરો થયા પછી જ કાયમી (Permanent) કામગીરી શક્ય બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકોને હાલ પુરતી મુશ્કેલી ન પડે તે માટે રોડા, છાણું અને ડામર નાખીને કામચલાઉ (Temporary) પેચવર્ક પુરવાનું કામ ચાલુ રખાયું છે. અધિકારીઓ પાસેથી મેળવેલી વિગતો મુજબ, ખાડા મુખ્યત્વે જૂના રસ્તાઓ પર પડ્યા છે, જ્યારે ૫ વર્ષની ગેરંટીવાળા નવા રસ્તાઓ પર ખાડા પડ્યા નથી. રસ્તાના કામોમાં રહેલી ક્ષતિઓ અંગે ઇજનેરો અને અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી દેવાઈ છે અને હવે પછી થનારા કામો પર તેઓ પોતે ગુણવત્તા તપાસશે.

રિવ્યુ બેઠક બાદ VMC કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને કડક લહેજામાં સૂચનાઓ આપતા કહ્યું કે, વેટમિક્સ વગેરે નાખીને ખાડા પૂરવાની હાલની કામગીરી સંતોષકારક નથી. તેમણે રોડ ડિપાર્ટમેન્ટ અને ડેપ્યુટી એન્જિનિયરો (DEs) ને હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરીને ગુણવત્તાયુક્ત પેચવર્ક કરવા આદેશ આપ્યા છે.

  • દર મહિને ૪૦ થી ૫૦ હજાર ફરિયાદો: શહેરમાં દર મહિને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઈટ અને રસ્તા અંગે ૪૦ થી ૫૦ હજાર ફરિયાદો આવે છે. આ ફરિયાદોનો માત્ર કાગળ પર નિકાલ ન બતાવી નાગરિકોના સંતોષ સ્તર (Satisfaction Level) મુજબ કામ કરવાનો આદેશ અપાયો છે.
  • રોજ સાંજે કલાસ-૧ અધિકારીઓની બેઠક: ફરિયાદોના નિકાલ માટે તમામ ડેપ્યુટી કમિશનરો દરરોજ સાંજે અડધો કલાક ઝોનલ એન્જિનિયરો અને DEs સાથે સમીક્ષા બેઠક કરશે.
  • કોલ સેન્ટરમાં ૨૦ કર્મચારી ઉમેરાશે: કોલ સેન્ટર દ્વારા નાગરિકોને સીધો ફોન કરીને કામગીરી અંગેનું ગુણવત્તાયુક્ત ફીડબેક લેવા નવી પહેલ કરાશે.

મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કર્યું કે અત્યારે શહેરની સૌથી મોટી સમસ્યા રસ્તાના ખાડા છે. આગામી ૧૦ દિવસ આ કામગીરી પર જ સતત ફોકસ રહેશે. સરકારી અને પ્રાઇવેટ હોટમિક્સ પ્લાન્ટમાંથી દરેક ઝોનમાં રોજના ૪૦ થી ૫૦ ટ્રક મટીરિયલ આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. ૧૦૦૦+ MT ની જરૂરિયાત સામે ૨૦૦૦ MT મટીરિયલનું પ્લાનિંગ કરાયું છે. પ્લાન્ટમાંથી આવતા મટીરિયલ કે કામગીરીમાં ગુણવત્તા વગરનું કામ જણાશે તો ડેપ્યુટી કમિશનરોને તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની સત્તા અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે આગામી તહેવારો પૂર્વે મ્યુનિ. કમિશરને અધિકારીઓને ખાસ સૂચના આપી છે. આગામી દશામા ઉત્સવ અને ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને કાઉન્સિલરો અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન સાધીને વિસર્જન રૂટના રસ્તા વહેલી તકે સુધારવા આદેશ અપાયા છે. આ ઉપરાંત STP પ્લાન્ટના રી-યુઝ્ડ વોટરનો ઉપયોગ કરીને રસ્તાઓ પરથી ગંદકી અને કાદવ (Sludge) દૂર કરવા ફાયર અને ડ્રેનેજ વિભાગને સૂચના અપાઈ છે. તેમજ ચોમાસામાં રોગચાળો અટકાવવા હેલ્થ ડિપાર્ટમેન્ટ, UHC, PHC દ્વારા એન્ટી-મલેરિયલ અને અટકાયતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic