ગાંધીનગર: સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી. પી. સવાણી શાળાની હોસ્ટેલમાં ૧૩ સપ્ટેમ્બરના રોજ ઘટેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકાર અત્યંત કડક વલણમાં આવી ગઈ છે. હોસ્ટેલમાં દૂષિત ખોરાકના કારણે ૧૦૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની તબિયત લથડવાની ઘટનાને ગંભીરતાથી લેતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ગુજરાતની તમામ હોસ્ટેલ અને કેન્ટીનોમાં સઘન ચકાસણી હાથ ધરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આરોગ્ય મંત્રીની આ કડક સૂચના બાદ તંત્ર દ્વારા રાજ્યભરમાં સપાટો બોલાવવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના કડક આદેશ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમોએ સમગ્ર રાજ્યમાં એકસાથે દરોડા પાડીને કુલ ૨૦૦ જેટલી હોસ્ટેલ અને કેન્ટીનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ૪૭ સરકારી, ૨૧ અર્ધ-સરકારી અને ૧૩૨ ખાનગી હોસ્ટેલ-કેન્ટીનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખુલ્લામાં રખાતો ખોરાક, વાસી ખાદ્યસામગ્રી અને ગંભીર કક્ષાની અસ્વચ્છતા તથા અનહાઈજેનિક પરિસ્થિતિ જોવા મળતાં તંત્ર દ્વારા ૧૦ જેટલી હોસ્ટેલ કેન્ટીનોને સ્વયંભૂ બંધ કરાવી દેવામાં આવી છે, જ્યારે ૧ કેન્ટીનનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે.
આ ઉપરાંત, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે તંત્ર દ્વારા સ્થળ પરથી ૧૧૪ જેટલા વિવિધ વાનગીઓ અને કાચા માલના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. નિયમોનું પાલન ન કરતી અને અસ્વચ્છતા ધરાવતી ૬૧ હોસ્ટેલ-કેન્ટીનોને કાયદાકીય ‘ઈમ્પ્રુવમેન્ટ નોટિસ’ ફટકારીને તાત્કાલિક સુધારો કરવા આકરા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો આ સંસ્થાઓ નિર્ધારિત સમયમાં સુધારો નહીં કરે તો તેમની સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્ય તથા સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા, ભેળસેળિયુ ભોજન પીરસતા કે અસ્વચ્છતા રાખતા અસામાજિક તત્વો અને બેદરકાર સંચાલકો સામે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કડક અને બિન-સહાનુભૂતિપૂર્વકની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.
