Friday, 19 June 2026
  • Home  
  • માસુમનો શું વાંક? પ્રેમિકા સાથે ઝઘડો થતાં પાડોશીએ જ ૫ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કર્યું અને પછી….
- ગુજરાત - મધ્ય ગુજરાત

માસુમનો શું વાંક? પ્રેમિકા સાથે ઝઘડો થતાં પાડોશીએ જ ૫ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કર્યું અને પછી….

વડોદરા: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાંથી ૧૫ જૂનની મોડી રાત્રે ગુમ થયેલી પાંચ વર્ષની માસુમ બાળકીના અપહરણ કેસમાં અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેનારો ખુલાસો થયો છે. એક શ્રમજીવી પરિવારની આ દીકરી રાત્રે ઘરના ઓટલા પર ખાટલામાં નિદ્રાધીન અવસ્થામાં હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ફફડાટ […]

વડોદરા: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાંથી ૧૫ જૂનની મોડી રાત્રે ગુમ થયેલી પાંચ વર્ષની માસુમ બાળકીના અપહરણ કેસમાં અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેનારો ખુલાસો થયો છે. એક શ્રમજીવી પરિવારની આ દીકરી રાત્રે ઘરના ઓટલા પર ખાટલામાં નિદ્રાધીન અવસ્થામાં હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ફફડાટ વચ્ચે પોલીસની ૧૦ ટીમો શોધખોળમાં લાગી હતી. પરંતુ ત્રણ દિવસ બાદ બુધવારે (૧૭ જૂન, ૨૦૨૬) બપોરે વણીયાદ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી માસુમ બાળકીનો મૃતદેહ એક પોટલામાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

બાળકીના અપહરણની ગંભીરતાને જોતાં વડોદરા જિલ્લા પોલીસ વડા (SP) સુશિલ અગ્રવાલે તાત્કાલિક સ્થાનિક શિનોર પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની અલગ-અલગ ૧૦ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ હતી અને શંકાના આધારે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ સઘન ઓપરેશનના અંતે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને માસુમના જ ફળિયામાં રહેતા નરાધમ પાડોશી આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડીયા (ઉંમર ૨૬ વર્ષ) ને ઝડપી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલે યોજેલી પત્રકાર પરિષદમાં આ ઘાતકી હત્યા પાછળ જે કારણ સામે આવ્યું છે તે સાંભળીને સભ્ય સમાજ શરમથી માથું ઝુકાવી દેશે. તેમણે જણાવ્યા અનુસાર, પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી અજય રાઠોડીયા મૃતક બાળકીના ઘરની સામે જ રહે છે અને તેને બાળકીની માતા સાથે પ્રેમસંબંધ હતો. તાજેતરમાં જ પ્રેમિકા (બાળકીની માતા) સાથે આરોપી અજયને કોઈ બાબતે મોટો ઝઘડો થયો હતો. આ ઝઘડાનો બદલો લેવા અને મહિલાને જિંદગીભરનું દર્દ આપવા માટે નરાધમે આ માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારવાનું ભયાનક કાવતરું રચ્યું હતું. ૧૫ જૂનની મોડી રાત્રે જ્યારે બાળકી ગાઢ નિદ્રામાં હતી, ત્યારે અજયે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ નાયલોનની દોરી વડે માસુમનું ગળું ટૂંપીને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાખી હતી. પાપ છુપાવવા માટે તેણે બાળકીના મૃતદેહને એક પોટલામાં બાંધ્યો અને સતીષાણા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો.

આરોપી અજય રાઠોડીયાએ પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે અને તેણે જ મૃતદેહ ક્યાં ફેંક્યો હતો તે સ્થળ બતાવ્યું હતું. જોકે, આ ઘટનામાં સૌથી સંવેદનશીલ બાબત એ છે કે હત્યા કરતાં પહેલાં અથવા પછી બાળકી સાથે કોઈ શારીરિક છેડછાડ કે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું કે કેમ? આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, સત્ય હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં બાળકીના પાર્થિવ દેહને વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડાયો છે, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા વીડિયોગ્રાફી સાથે સઘન પોસ્ટમોર્ટમ (PM) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

શિનોર પોલીસે નરાધમ આરોપી સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગામના જ પાડોશીએ રચેલા આ લોહિયાળ ખેલથી પીડિત શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic