ગાંધીનગર:દેશભરમાં લાગુ કરાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-૨૦૨૦) ના સફળ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક વિશેષ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત “Swachh Evam Harit Vidyalaya Rating – SHVR 2025-26” અંતર્ગત ગુજરાતની શાળાઓએ રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે. દેશભરની શાળાઓના કડક મૂલ્યાંકન બાદ, ગુજરાતની કુલ ૧૫ શાળાઓની રાષ્ટ્રીય સ્તરના સર્વોચ્ચ માન્યતા પ્રમાણપત્ર માટે આખરી પસંદગી કરવામાં આવી છે.
કયા જિલ્લાની કેટલી શાળાઓ બની વિજેતા?
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. રણજીત કુમારે જાહેર કરેલી સત્તાવાર માહિતી અનુસાર, રાષ્ટ્રીય સ્તરે ચમકેલી ગુજરાતની ૧૫ શ્રેષ્ઠ શાળાઓમાં નીચે મુજબના જિલ્લાઓનો સમાવેશ થાય છે:
- રાજકોટ: સૌથી વધુ ૦૩ શાળાઓ
- વડોદરા, નવસારી, પોરબંદર: પ્રત્યેક જિલ્લામાંથી ૦૨-૦૨ શાળાઓ
- અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, મહેસાણા: પ્રત્યેક જિલ્લામાંથી ૦૧-૦૧ શાળા
આ તમામ વિજેતા શાળાઓને ભારત સરકાર તરફથી ખાસ ગ્રીન સર્ટિફિકેટ એનાયત કરાશે. આ ઉપરાંત, શાળાઓમાં પર્યાવરણની જાળવણી અને ટકાઉ (Sustainable) પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રહી શકે તે હેતુથી પ્રત્યેક શાળાને પ્રોત્સાહન સ્વરૂપે રૂપિયા ૧ લાખનું વિશેષ રાષ્ટ્રીય ફંડ આપવામાં આવશે.

કયા માપદંડોના આધારે થયું શાળાઓનું કડક મૂલ્યાંકન?
જે. રણજીત કુમારે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ સ્વચ્છતા, હરિયાળી, સુરક્ષિત અને ક્લાયમેટ રેઝિલિયન્સ (હવામાન અનુકૂલન) વાળું વાતાવરણ ઊભું કરવાનો છે. શાળાઓની આખરી પસંદગી ખૂબ જ આકરા અને આધુનિક માપદંડો ચકાસીને કરવામાં આવી હતી. શાળાઓમાં બેઝિક સુવિધાઓ જેવી કે, શુદ્ધ પીવાનું પાણી, આધુનિક શૌચાલયની સુવિધા અને સાબુથી યોગ્ય રીતે હેન્ડવોશ કરવાની વ્યવસ્થા ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસનું ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે વ્યવહારિક પરિવર્તન (Behavior Change) લાવવાની દિશામાં કરાયેલા પ્રયાસો તેમજ ઊર્જા સંરક્ષણ (Energy Conservation), કચરાનું યોગ્ય રિસાયકલિંગ અને શાળામાં સક્રિય રીતે ચાલતી ઈકો-ક્લબ (Eco-Club) ની પ્રવૃત્તિઓ પણ ચકાસણી કરવામાં આવી હતી.
૪૪ હજારથી વધુ શાળાઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ માર્ગદર્શન, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના સબળ નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ મળીને કુલ ૪૪,૦૦૦ થી વધુ શાળાઓએ આ રેટિંગ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને સ્વ-મૂલ્યાંકન કર્યું હતું, જે દેશભરમાં એક રેકોર્ડબ્રેક આંકડો છે.
બે સ્તરીય કમિટી દ્વારા થયું ઝીણવટભર્યું ક્રોસ વેરિફિકેશન
શાળાઓની પસંદગીમાં પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા બહુસ્તરીય ચકાસણી કરવામાં આવી હતી:
૧. જિલ્લા કક્ષાની સમિતિ: દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૯ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જેના આધારે જિલ્લા સ્તરેથી ૨૬૨ શાળાઓ શોર્ટલિસ્ટ થઈ હતી.
૨. રાજ્ય કક્ષાની સમિતિ: સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરના વડાપણ હેઠળ ૧૬ સભ્યોની ઉચ્ચ સમિતિએ તમામ ડેટાનું ક્રોસ વેરિફિકેશન કર્યું અને વિવિધ જિલ્લાઓમાંથી ૨૦ શ્રેષ્ઠ શાળાઓ પસંદ કરી, જેમાંથી આખરે ૧૫ શાળાઓને રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે આખરી મંજૂરી મળી છે.
