વડોદરા મહાનગરપાલિકા (VMC) માં આજે એક અસામાન્ય અને ચિંતાજનક ઘટના બની છે. VMCના કર્મચારીઓ અને ક્લાસ વન અધિકારીઓએ સામૂહિક રજા (Mass Casual Leave – CL) પર ઉતરી જતાં વહીવટી કામગીરીને અસર પહોંચી છે. આ ઘટના પાછળનું કારણ ચોંકાવનારું છે: કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે તેઓ અમુક ‘ત્રાહીત ઇસમો’ના રોજીંદા માનસિક ત્રાસ અને કનડગતથી કંટાળી ગયા છે.
ગઈકાલે (ગુરુવારે) તમામ કર્મચારીઓ દ્વારા માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બે મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી કે, ત્રાહીત વ્યક્તિઓ સામે યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે. અને હાલની પરિસ્થિતિમાં કર્મચારીઓને માનસિક ત્રાસમાંથી રાહત આપવા માટે માસ સી.એલ. મંજૂર કરવામાં આવે.
પત્રમાં શું હતી મુખ્ય રજૂઆત?
કર્મચારીઓ દ્વારા કમિશનરને લખાયેલા પત્રમાં ગંભીર મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું હતું:
ખોટો પ્રચાર: કેટલાક ચોક્કસ જુથ દ્વારા ચાલતી કામગીરીની વિગતોને ખોટી રીતે ફ્રેમ કરીને, હકીકતને તોડી-મરોડીને મીડિયાના માધ્યમથી પ્રસારીત કરવામાં આવે છે, જેથી નિષ્ઠાવાન કર્મચારીઓ નિરુત્સાહી થાય છે અને માનસિક ત્રાસ અનુભવે છે.
ઓડિટમાં વિક્ષેપ: પત્રમાં જણાવાયું છે કે એક વિભાગના કાર્યક્રમના બીલો ઓડિટ અર્થે રજૂ થતાં, ઓડિટ વિભાગ દ્વારા યેનકેન પ્રકારે તેને મંજૂર કરવામાં આવતા નથી. આ બીલોની માહિતી ત્રાહીત વ્યક્તિઓને આપીને ભ્રષ્ટાચારની ખોટી ફરિયાદો કરાવવામાં આવે છે.
ફિલ્ડ પર ત્રાસ: ઘણા ત્રાહીત લોકો કોર્પોરેશનના વિકાસલક્ષી કામોની સાઇટ ઉપર જઈને કામો અટકાવવાના પ્રયત્નો કરે છે અને ફીલ્ડ ઉપરના કર્મચારીઓને માનસિક ત્રાસ આપે છે. આ ઉપરાંત, ખોટી રીતે આર્થિક અને નાણાકીય અઘટીત માંગણીઓ પણ કરવામાં આવે છે.
સામાજિક પ્રતિષ્ઠાને હાનિ: વર્તમાન પત્રોમાં આવતા ખોટા સમાચારોને લીધે કર્મચારીઓની સામાજિક પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે છે.
પત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે આ પરિસ્થિતિમાં કામ કરી શકાય તેમ ન હોવાથી માસ સી.એલ. મંજૂર કરવું જરૂરી છે.
VMC ચેરમેનનું નિવેદન
આ રજૂઆત બાદ આજે (શુક્રવારે) પાલિકાના ક્લાસ વન અધિકારીઓ સહિત અનેક કર્મચારીઓ રજા પર ઉતરી ગયા હતા. આ મામલે VMC ચેરમેને કહ્યું કે તેઓ માસ સીએલની બાબતથી પોતે અજાણ હતા. જોકે, તેમણે સ્વીકાર્યું કે નાગરિકોની સુવિધામાં કોઈ દુવિધા ન થાય તે માટે તેમણે અધિકારીઓની માસ CL રદ કરવા કમિશનરને જાણ કરી છે. ચેરમેને નાગરિકોને પડતી મુશ્કેલીઓ મામલે અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હોવાનું જણાવ્યું હતું.
આ ઘટનાથી વડોદરા મનપાના વહીવટી તંત્રમાં ચાલી રહેલી આંતરિક ગેરરીતિઓ અને સંભવિત ‘બ્લેકમેઇલિંગ’ના મામલાઓ પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, જેને લઈને તંત્રએ સત્વરે કડક પગલાં લેવા પડે તેમ છે.
