જૂનાગઢ: ગિરનારની પવિત્ર ભૂમિ પર મોડી રાત્રે એક અત્યંત રોમાંચક અને આશ્ચર્યજનક દ્રશ્ય સામે આવ્યું છે. ગિરનાર પર્વત પર આવેલી નવી સીડીના આશરે ૫૦મા પગથિયા નજીક મોડી રાત્રે આશરે ૩:૦૦ વાગ્યાના સુમારે ૩ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ હતી. ગિરનાર પર અચાનક ડાલામથ્થા સિંહો આવી પહોંચતા વિસ્તારમાં વન વિભાગ અને ટ્રેકર ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.
આ ઘટના અંગે રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે, વન્યજીવ સંરક્ષણ અને પ્રવાસીઓની જનસુરક્ષા બંને સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
વનકર્મીઓ અને સાસણ ટ્રેકરોનું ઓપરેશન: Video વાયરલ
બનાવની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગિરનારના ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ અને સાસણથી આવેલી વિશેષ ટ્રેકર ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વન વિભાગની ટીમે સિંહોની હિલચાલ પર સતત નજર રાખીને એ સુનિશ્ચિત કર્યું હતું કે, સિંહોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે માનવીય ખલેલ ન પહોંચે. ગિરનાર પર વહેલી સવારે આવતા યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા પણ અખંડિત રહે.
વન વિભાગની તાલીમબદ્ધ કામગીરી, કડક સતર્કતા અને ઝડપી પ્રતિસાદના પરિણામે આ ત્રણેય સાવજ (નર સિંહો)ને ખૂબ જ સુરક્ષિત રીતે ગિરનારની સીડીનો વિસ્તાર પાર કરાવીને તેમના કુદરતી આવાસ (જંગલ) તરફ રવાના કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પેટ્રોલિંગ અને સિંહોની હિલચાલનો વિડિયો પણ સામે આવ્યો છે.
‘વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા વચ્ચે સંતુલન આપણું ગૌરવ’
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, “વન વિભાગ વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા વચ્ચેનું સંતુલન જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ગીર અને ગિરનારનો સમૃદ્ધ જૈવ વૈવિધ્ય (Biodiversity) એ આપણું ગૌરવ છે, અને તેનું સંરક્ષણ કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.”
ગિરનાર આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વન વિભાગની મહત્વપૂર્ણ અપીલ
ગિરનાર આવતા તમામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને વન વિભાગ અને કેબિનેટ મંત્રી દ્વારા નીચે મુજબની કડક અને નમ્ર અપીલ કરવામાં આવી છે:
૧. ગભરાટ ન રાખવો: વન્યપ્રાણી દેખાય તો બિલકુલ ગભરાશો નહીં અને તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે ઉશ્કેરણી (Taunting) કરવાનો પ્રયાસ ન કરવો.
૨. વનકર્મીઓને જાણ કરવી: સિંહ અથવા અન્ય કોઈ વન્યજીવ દેખાય તો તાત્કાલિક નજીકના વનકર્મી અથવા ટ્રેકર ટીમને જાણ કરો અને તેમની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.
૩. યાત્રાના સમયમાં સાવચેતી: શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારે (મોડી રાત્રે) કે અંધારાના સમયે યાત્રા કરવાનું ટાળવું.
૪. ખાદ્યપદાર્થો કે પ્રસાદ ન ફેંકવો: ગિરનારની સીડીઓ પર અન્ન, ખાદ્યપદાર્થો કે પ્રસાદ ફેંકશો નહીં. રોડ કે સીડી પર ફેંકેલા ખોરાકના કારણે શાકાહારી પ્રાણીઓ (જેમ કે વાંદરા, હરણ) આકર્ષાય છે, જેના પરિણામે તેમનો શિકાર કરવા માંસાહારી વન્યપ્રાણીઓ (સિંહ-દીપડા) પણ તે માનવ વસાહત વાળા વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે.
