અમદાવાદ: ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તમામ ખાણીપીણીની લારીઓ તેમજ સ્ટોલ ઉપર ખાસ QR કોડ લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યુનિક QR કોડ સ્કેન કરીને ગ્રાહકો સીધા જ કોર્પોરેશનમાં પોતાનો પ્રતિભાવ (Feedback) આપી શકશે અને જરૂર જણાયે ફરિયાદ પણ નોંધાવી શકશે.
દરેક લારીનો હશે અલગ ‘યુનિક QR કોડ’: કેવી રીતે કરશે કામ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર (ફૂડ) તેજસ શાહે આ નવીન સુવિધા અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, “શહેરમાં કાર્યરત દરેક ખાણીપીણીના એકમો અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સનું ફૂડ વિભાગ દ્વારા સ્પેસિફિકલી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ દરેક એકમ દીઠ એક અનન્ય એટલે કે યુનિક ક્યુઆર કોડ (Unique QR Code) જનરેટ થાય છે.”
૩૫૦૦થી વધુ કોડ લગાવાયા: તંત્ર દ્વારા અત્યાર સુધીમાં પ્રારંભિક ધોરણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ૩૫૦૦ થી વધુ ખાણીપીણીની લારીઓ પર આ QR કોડ લગાવવાની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.
૧ થી ૫ નું રેટિંગ આપવાનું રહેશે: જ્યારે કોઈ ગ્રાહક આ લારી પરથી ખોરાક આરોગે, ત્યારે તે આ કોડ સ્કેન કરીને ગુણવત્તા અને સ્વચ્છતાના આધારે ૧ થી ૫ સુધીના રેટિંગ આપી શકશે.
ઓછા રેટિંગ મળશે તો લારી બંધ પણ થઈ શકે છે!
આ નવીન ઓનલાઈન સીસ્ટમ માત્ર ગ્રાહકોના ફીડબેક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના આધારે કડક મોનિટરિંગ પણ કરવામાં આવશે. જો કોઈ ખાણીપીણીના એકમ કે લારીના રેટિંગ સતત ઓછા આવશે અથવા ગ્રાહકોની નકારાત્મક ફરિયાદો મળશે, તો AMC ના ફૂડ વિભાગ દ્વારા સૌપ્રથમ તે વેન્ડરને સુધારણા માટે કડક સૂચના (નોટિસ) આપવામાં આવશે. સૂચના આપવા છતાં જો લારી ચાલક દ્વારા સ્વચ્છતા કે ગુણવત્તામાં કોઈ યોગ્ય સુધારો કરવામાં નહીં આવે, તો તેનું લાયસન્સ રદ કરવા સહિત કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આગામી દિવસોમાં રેસ્ટોરન્ટ અને હોટલમાં પણ લાગુ થશે નિયમ
કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રારંભિક તબક્કે આ સુવિધા માત્ર સ્ટ્રીટ ફૂડ વેન્ડર અને ખાણીપીણીની લારીઓ પૂરતી જ ઉભી કરવામાં આવી છે. જોકે, ગ્રાહકો તરફથી મળી રહેલા સકારાત્મક પ્રતિસાદને જોતા, આગામી દિવસોમાં આ નવતર પ્રયોગ શહેરની તમામ નાની-મોટી રેસ્ટોરન્ટ્સ, કેફે અને હોટલોમાં પણ ફરજિયાતપણે લાગુ કરવાની વહીવટી તંત્રની યોજના છે.
ગ્રાહકો અને જનતામાં ખુશીનો માહોલ
આ મામલે જ્યારે બજારમાં ગ્રાહકો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે લોકોએ કોર્પોરેશનના આ નિર્ણયને વધાવી લીધો છે. ગ્રાહકોના મતે, આ સીસ્ટમને કારણે હવે લારી ચાલકો વાસી ખોરાક વેચતા અથવા અસ્વચ્છતા રાખતા ડરશે, કારણ કે ગ્રાહકના હાથમાં રેટિંગ આપવાની તાકાત આવી ગઈ છે. ડિજિટલ ગવર્નન્સ તરફ આ એક ખૂબ જ પ્રશંસનીય અને આવકારદાયક પગલું છે.
