ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સમગ્ર ગુજરાતમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જનઅભિયાનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ રૂપાલ ગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’ના જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મશાલયાત્રા જનસેવા, પારદર્શિતા અને ઉત્કૃષ્ટ સુશાસનના પ્રતિક તરીકે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાઓમાં ભ્રમણ કરીને નાગરિકોમાં વિકાસનો સંદેશ પહોંચાડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે જનસેવાના સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અને ઐતિહાસિક અવસર નિમિત્તે પ્રધાનમંત્રીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતેથી દેશભરના વિવિધ શહેરોમાં જીવંત પ્રસારણ (Live Streaming) દ્વારા દેશવાસીઓને પ્રેરણાદાયી અને ઓજસ્વી સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના આ સેવાયજ્ઞને આગળ ધપાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂપાલ ખાતેથી મશાલ પ્રજ્વલિત કરી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યનો દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાય તે જ આ સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ છે.
મશાલયાત્રાના પ્રારંભ પૂર્વે નાયબ મુખ્યમંત્રીએ રૂપાલ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે પૂજન-અર્ચન અને ભાવપૂર્વક આરતી કરી રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેઓ મશાલ યાત્રામાં વિશાળ જનમેદની સાથે પોતે ચાલીને જોડાયા હતા અને ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિત પક્ષના પ્રમુખ અનિલ પટેલ અને જિલ્લા પ્રભારી રમેશ સોલંકી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, અધિક કલેક્ટર અમિત પરમાર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, રૂપાલ ગામના પંચાયત પ્રતિનિધિઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મશાલયાત્રા ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ફરીને સરકારી યોજનાઓનો વ્યાપ વધારવા અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.
