વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા 10 કલાકમાં બાળકોની બેદરકારી અને રમત-રમતમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના બે કિસ્સા સામે આવ્યા છે. આ બંને કિસ્સાઓએ નાના બાળકો ધરાવતા માતા-પિતા માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે. ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલ (SSG) ખાતે લાવવામાં આવેલા બે માસૂમ બાળકોને તબીબોએ જટિલ શસ્ત્રક્રિયા કરીને નવું જીવન બક્ષ્યું છે.
કિસ્સો-1: 11 વર્ષના બાળકના ફેફસામાં ફસાઈ ‘પેપર પિન’
શહેરના એક 11 વર્ષના બાળકે રમત-રમતમાં લોખંડની પેપર પિન મોઢામાં નાખી હતી, જે અચાનક ગળા નીચે ઉતરી ગઈ હતી. આ પિન સીધી બાળકના ફેફસામાં જઈને ફસાઈ ગઈ હતી. પિન ફેફસામાં ફસાતા બાળકની શ્વાસનળીમાં અવરોધ ઊભો થયો હતો અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જીવના જોખમે આ બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
કિસ્સો-2: 3 વર્ષના માસૂમે સિક્કો ગળી લીધો
અન્ય એક કિસ્સામાં, માત્ર 3 વર્ષના માસૂમ બાળકે રમતા-રમતા સિક્કો ગળી લીધો હતો. આ સિક્કો બાળકના ગળાના ભાગે અન્નનળીમાં ફસાઈ જતાં બાળકની હાલત કફોડી બની હતી. બાળક કંઈ પણ ખાવા-પીવા કે બોલવામાં અસમર્થ બની ગયું હતું, જેને પગલે પરિવારે તાત્કાલિક હોસ્પિટલની દોટ લગાવી હતી.
તબીબોની જહેમત: ‘બ્રોન્કોસ્કોપી’ દ્વારા સફળ સર્જરી
સયાજી હોસ્પિટલના ENT (નાક-કાન-ગળું) વિભાગના તબીબોએ બંને બાળકોની ગંભીરતા જોઈ તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડ્યા હતા. ડો. ઇશિતા શાહ અને તેમની ટીમે ‘બ્રોન્કોસ્કોપી’ની જટિલ પ્રક્રિયા હાથ ધરી હતી. અત્યંત જોખમી ગણાતી આ સર્જરીમાં તબીબોએ ભારે જહેમત બાદ:
- 11 વર્ષના બાળકના ફેફસામાંથી ધારદાર પેપર પિન સુરક્ષિત બહાર કાઢી.
- 3 વર્ષના બાળકના ગળામાંથી ફસાયેલો સિક્કો સફળતાપૂર્વક દૂર કર્યો.
તબીબોની સલાહ
ENT વિભાગના ડો. ઇશિતા શાહે જણાવ્યું હતું કે, “બંને કિસ્સા અત્યંત જટિલ હતા, ખાસ કરીને ફેફસામાં પિન ફસાઈ જવી એ જીવલેણ સાબિત થઈ શકે છે. માતા-પિતાએ બાળકો જ્યારે રમતા હોય ત્યારે સતત ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કોઈ નાની કે ધારદાર વસ્તુ મોઢામાં ન નાખે. જો બાળક અચાનક શ્વાસ લેવામાં તકલીફ અનુભવે અથવા કંઈ ગળી ગયાની શંકા હોય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.”
