ખેડા/અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા, નદીઓ હાલ ઉફાન પર છે. ખેડા જિલ્લાના કોદરીયાપુરા ગામ પાસે સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલા ત્રણ નાગરિકોને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ખેડા જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને આપી હતી. આ ઘટના ફરી એકવાર નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સલામતી અંગેની ગંભીરતા દર્શાવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે કોદરીયાપુરા, ખેડા ખાતે સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલા ત્રણ નાગરિકોને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. pic.twitter.com/WIzHL25I9f— Collector Kheda (@collectorkheda) August 26, 2025
અમદાવાદમાં સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ
ખેડા ઉપરાંત અમદાવાદમાં પણ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવતા, વાસણા બેરેજમાં પાણીની આવક વધી રહી છે. તેના પગલે, વાસણા બેરેજના કુલ ૨૭ ગેટ (ગેટ નંબર ૩ થી ૨૯) ખોલીને ૯૪,૦૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ વધુ પાણી છોડવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા નીચાણવાળા ગામો અને આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
પૂરના કારણે અમદાવાદનો પ્રખ્યાત રિવરફ્રન્ટ વૉક-વે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સાબરમતીના વિકરાળ સ્વરૂપને જોતા, સુભાષ બ્રિજ ખાતે વ્હાઈટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.
