વડોદરા: ભારતીય વાયુસેના દ્વારા ૧૭.૫ થી ૨૧ વર્ષના અપરિણીત પુરુષ ઉમેદવારો માટે એરફોર્સ સ્ટેશન, દરજીપુરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ શરૂ થયેલી આ રેલીમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના ૩૦૦૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
ભરતી રેલીમાં ધોરણ ૧૨ અથવા તેના સમકક્ષ લાયકાત ધરાવતા, અથવા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી, કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ડિપ્લોમા ધરાવતા, અથવા બે વર્ષનો વોકેશનલ કોર્સ કરેલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉમેદવારોએ ધોરણ ૧૨ અથવા ડિપ્લોમામાં ૫૦% માર્કસ અને અંગ્રેજી વિષયમાં પણ ૫૦ માર્કસ મેળવેલા હોવા જરૂરી છે.
ભરતી પ્રક્રિયા: ઉમેદવારોને સવારે ૫:૦૦ વાગ્યાથી પ્રવેશ આપીને તેમના જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો અને ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, હાથના ટેટૂ અને ઊંચાઈની તપાસ પણ કરવામાં આવી હતી. શારીરિક કસોટીમાં ૧૬૦૦ મીટરની દોડ, ૧૦ સીટ-અપ્સ, ૧૦ પુશ-અપ્સ અને ૨૦ સ્કવોટ્સ (ઉઠક-બેઠક)નો સમાવેશ થાય છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે ૫૦ પ્રશ્નોની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં અંગ્રેજી, રિઝનિંગ અને જનરલ અવેરનેસના પ્રશ્નોનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોનો એડેપ્ટેબિલિટી ટેસ્ટ ૧ અને એડેપ્ટેબિલિટી ટેસ્ટ ૨ લેવામાં આવશે.
ઉમેદવારો માટેની સુવિધાઓ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારો માટે મફત ભોજન, પીવાના પાણી અને રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો માટે વડોદરા રેલવે અને એસટી ડેપોથી સિટી બસની પેઇડ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ ઉપલબ્ધ છે.
આગામી ૩૦ ઓગસ્ટના રોજ માત્ર અપરિણીત મહિલા ઉમેદવારો માટે ભરતી રેલી યોજાશે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો, સ્પોર્ટ્સ શૂઝ અને લેખન સામગ્રી સાથે રાખવા જણાવવામાં આવ્યું છે.
