નવસારી: નવસારી જિલ્લા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે સતત વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક પણ વધી છે.
ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના અનેક આંતરિક માર્ગો બંધ થઈ ગયા છે. લો-લેવલ બ્રિજ સહિત અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર થંભી ગયો છે. હાલમાં જિલ્લાના જલાલપોર, ચીખલી, ખેરગામ, ગણદેવી, વાંસદા અને નવસારી તાલુકાના કુલ ૩૨ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતીની દ્રષ્ટિએ આ રસ્તાઓનો ઉપયોગ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.
લોકોને જરૂર સિવાય બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં વધુ વરસાદની શક્યતા હોવાથી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
