વડોદરા: નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઇ ગઈ છે, પરંતુ વડોદરામાં વરસાદનું વિઘ્ન હજુ પણ યથાવત છે. પહેલા નોરતા બાદ આજે બીજા નોરતે પણ વરસાદી માહોલ જામતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. આજે બપોર બાદ શહેરના કેટલાક વિસ્તારો, જેમ કે વાઘોડિયા રોડ, દંતેશ્વર અને તરસાલી,માં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જોકે, શહેરના અન્ય વિસ્તારોમાં વાતાવરણ કોરું રહ્યું હતું.
આ સ્થિતિને કારણે ગરબાના મેદાનોની પરિસ્થિતિ ફરી એકવાર પડકારરૂપ બની છે. પહેલા નોરતે પણ વરસાદને કારણે અનેક ગરબાનું આયોજન અટકી ગયું હતું. યુનાઈટેડ વે જેવા પ્રખ્યાત ગરબાના ગ્રાઉન્ડમાં પણ ઠેર-ઠેર કાદવ-કિચડ ભરાઈ જવાથી ખેલૈયાઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આયોજકોની અપૂરતી વ્યવસ્થાને કારણે ખેલૈયાઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.
આજે બીજા નોરતે પણ વરસાદ થતા એવી ચિંતા વધી છે કે શું ગરબાનું આયોજન થઈ શકશે કે કેમ? આયોજકોએ ગ્રાઉન્ડમાં પાણીનો નિકાલ અને અન્ય વ્યવસ્થા કરી હશે કે કેમ? આ પ્રશ્નો દરેક ખેલૈયાના મનમાં ઉદ્ભવી રહ્યા છે.
આમ તો, નવરાત્રીનો તહેવાર આનંદ અને ઉલ્લાસનો છે, પરંતુ છેલ્લા બે દિવસથી વરસી રહેલા અણધાર્યા વરસાદે આ ઉત્સાહ પર થોડું પાણી ફેરવી દીધું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે આવનારા દિવસોમાં પણ ગરબાનું આયોજન પડકારરૂપ બની શકે છે. આશા રાખીએ કે મેઘરાજા હવે વિરામ લે અને ખેલૈયાઓને ગરબે ઘૂમવાનો પૂરતો અવસર મળે.
