સુરત શહેરને ફરી એકવાર નકલી માલના વેચાણ અને ગેરકાયદે ફેક્ટરીનું કેન્દ્ર બનતા અટકાવવા પોલીસને મોટી સફળતા મળી છે. સુરતની એલસીબી ઝોન-૧ (LCB Zone 1) અને પુણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પુણા ગામ વિસ્તારમાંથી એક ડુપ્લીકેટ કોસ્મેટિક્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ ગોડાઉનમાં પિતા અને તેમના બે પુત્રો મળીને છેલ્લા આશરે ૧૫ મહિનાથી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી માલનો વેપલો ચલાવતા હતા.
પોલીસને બાતમી મળી હતી કે પુણા ગામ વિસ્તારમાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં કોસ્મેટિક્સની ગેરકાયદે ફેક્ટરી અને ગોડાઉન ચાલી રહ્યું છે, જ્યાં ડુપ્લીકેટ માલ તૈયાર કરીને તેનું ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી પિતા અને બે પુત્રો સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ જાણીતી કોસ્મેટિક બ્રાન્ડ્સના લોગો અને પેકેજિંગનો ઉપયોગ કરીને નકલી પ્રોડક્ટ્સ બનાવતા હતા અને પછી મુખ્યત્વે ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા દેશભરમાં વેચાણ કરતા હતા.
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે ₹૧૧.૭૮ લાખ રૂપિયાનો ડુપ્લીકેટ કોસ્મેટિક વસ્તુઓનો મુદામાલ કબજે કર્યો હતો. આ મુદામાલમાં નકલી લિપસ્ટિક, મેકઅપ કીટ, પર્ફ્યુમ્સ અને અન્ય બ્યુટી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નકલી માલના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતું રો મટિરિયલ અને મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ટ્રેડમાર્ક એક્ટ અને કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક ક્યાંથી ઓપરેટ થતું હતું અને કયા મોટા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આ નકલી માલ વેચવામાં આવતો હતો, તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નકલી કોસ્મેટિક્સના ઉપયોગથી ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ મોટું નુકસાન પહોંચી શકે છે, ત્યારે પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે.
