નડિયાદ: ચરોતરની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વધારો કરતાં, નડિયાદના ઐતિહાસિક અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં આગામી રવિવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દી અને ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અને ‘ગાંધી માય ફાધર’ ફિલ્મના અભિનેતા દર્શન જરીવાલા ‘ગ્રંથના પંથ’ કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપવા માટે પધારશે.
આગામી ૨ નવેમ્બર, રવિવાર ના રોજ, પુસ્તકાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમનો વિષય વર્ષ ૨૦૦૭માં આવેલી હિન્દી ફિલ્મ ‘ગાંધી માય ફાધર’ છે. આ ફિલ્મ ગુજરાતી નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પર આધારિત છે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના તેમના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી સાથેના જટિલ સંબંધો પર કેન્દ્રિત છે.

ગાંધીજીનું પાત્ર ભજવનાર અભિનેતા:
અનિલ કપૂર દ્વારા નિર્મિત અને ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા દિગ્દર્શિત ‘ગાંધી માય ફાધર’ ફિલ્મમાં દર્શન જરીવાલાએ મહાત્મા ગાંધીનું મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ અને તેના પાત્રની તૈયારીઓ અંગેના તેમના અનુભવો તેમજ મૂળ નવલકથા પર તેઓ વક્તવ્ય આપશે.
પુસ્તકાલયમાં છેલ્લાં પંદર વર્ષથી ચાલી રહેલા ‘ગ્રંથનો પંથ’ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાતના જાણીતા સાહિત્યકારો અને કલાકારો દ્વારા કોઈ એક પુસ્તક વિશે લોકોને માહિતગાર કરવાનો છે.
આ વિશેષ વ્યાખ્યાનનો લાભ લેવા માટે ચરોતરની તમામ સાહિત્યરસિક જનતાને ડાહીલક્ષ્મી લાયબ્રેરી દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨ નવેમ્બરના રોજ સવારે ૯:૩૦ કલાકે નિઃશુલ્ક યોજાશે.
