પ્રતિબંધિત ચાઈનીશ દોરી (માન્જા)ના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવાના અભિયાન હેઠળ, વડોદરા ગ્રામ્યની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમે ૨,૭૦૦ રીલ ચાઈનીશ દોરી સાથે એક ટેમ્પો ઝડપી પાડ્યો છે.
કરચીયા ગામની સીમમાં છટકું ગોઠવાયું
LCB ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ભૂરા કલરના ટાટા ઈન્ટ્રા ટેમ્પામાં પ્લાસ્ટિકની ચાઈનીશ દોરી જેવો શંકાસ્પદ અને બિલ વગરનો માલ ભરીને સમીયાલા તરફથી સાવલી તરફ જનાર છે.
આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા કરચીયા ગામની સીમમાં સમીયાલાથી સાવલી આવતા રોડ ઉપર ઔરા લાઈફકેર કંપની સામે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન ઉપરોક્ત ટેમ્પાને ઝડપી પાડી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મુદ્દામાલ અને આરોપીની વિગતો
પોલીસે ટેમ્પામાંથી પ્રતિબંધિત ચાઈનીશ દોરીની કુલ રીલ નંગ ૨,૭૦૦ કબજે કરી હતી, જેની કિંમત ₹૧૨,૦૬,૦૦૦ આંકવામાં આવી છે. આ સાથે, પોલીસે ટેમ્પો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹૧૭,૬૦,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે આ મામલે આરોપી બાદરૂ બાબુભાઈ મેડાની ધરપકડ કરી છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ દોરીનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ચાઈનીશ દોરીના કારણે થતા અકસ્માતો અને ઈજાઓને ધ્યાનમાં રાખીને, આ પ્રકારની મોટી કાર્યવાહી આગામી ઉત્તરાયણ પર્વ પહેલા ગેરકાયદેસર વેપારીઓ માટે એક કડક ચેતવણી સમાન છે.
