આણંદ: કરમસદ સ્થિત વિખ્યાત ભાઇકાકા યુનિવર્સિટીના એન.એસ.એસ. (NSS) યુનિટ દ્વારા વલાસણ ગામ ખાતે ૮ દિવસીય વિશેષ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અભય ધર્મસીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મેડિસીન, નર્સિંગ, ફિઝીયોથેરાપી અને મેડિકલ ટેકનોલોજી જેવા વિવિધ વિભાગોના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ ભાવિ તબીબોમાં સામાજિક જવાબદારીના સંસ્કારોનું સિંચન કરવાનો અને ગ્રામીણ સમુદાયના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો હતો.
આરોગ્ય તપાસ અને નિદાનની કામગીરી
કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ વલાસણની પ્રાથમિક શાળા અને ડી.એસ. પટેલ હાઈસ્કૂલ ખાતે નિદાન કેમ્પ યોજ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના દાંત અને આંખનું નિદાન કરી તેમને જરૂરી સલાહ અને જાગૃતિ આપવામાં આવી હતી. કરમસદ નગરપાલિકા વિસ્તારમાં હાઈપરટેન્શન (બીપી) અને ડાયાબિટીસ જેવા રોગોનું વહેલાસર નિદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ સમજાવી લોકોને આ પુણ્ય કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.
નિષ્ણાતો દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન
કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાંત ડૉ. આલોક પાંડેએ વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ અને આરોગ્ય વિશે સમજ આપી હતી. આ ઉપરાંત, આણંદના એસ.પી. ગૌરવ જસાનીએ વિદ્યાર્થીઓને જીવનમાં અનુશાસન અને લક્ષ્ય કેન્દ્રિત બનવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે આર.ટી.ઓ. અધિકારી એન. કે. સોલંકીએ રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે મહત્વની જાણકારી આપી હતી.
સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણ
વિદ્યાર્થીઓએ સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લઈ લોખંડી પુરુષના જીવન પરની ડોક્યુમેન્ટરી નિહાળી હતી. તેમજ યુનિવર્સિટી ખાતે સ્થાપિત ‘બિલિસ સેન્ટર ફોર સ્પિરીચ્યુલિટી’ ના ઉદ્ઘાટન પ્રસંગે આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્ય વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ ૮ દિવસીય શિબિર થકી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, ટીમવર્ક અને સેવા-ભાવનાના ગુણો વિકસ્યા હતા, જે તેમના વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
