ગાંધીનગર: ગ્રાહકોના હિતોની રક્ષા અને વેપારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાનૂની માપવિજ્ઞાન તંત્ર (તોલમાપ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકી અને રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વમાં તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાજ્યના ૩૭૦ જેટલા સોના-ચાંદીના શો-રૂમ અને દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
૨૫ જિલ્લાઓમાં ૨૫૩ પ્રોસિક્યુશન કેસ
આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના અધિકારીઓએ ૨૫ જિલ્લાઓમાં ૨૫૩ જેટલા પ્રોસિક્યુશન કેસ નોંધીને કુલ રૂ. ૬,૭૯,૦૦૦/- ની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલી હતી. ખાસ વાત એ છે કે આ દંડની વસૂલાત E-POS, UPI અને ડિજિટલ પેમેન્ટ દ્વારા કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લાઓમાં તપાસના આંકડા:
- અમદાવાદ: ૬૧ એકમોની તપાસ સામે ૨૨ કેસ.
- ભરૂચ-નર્મદા: ૨૭ એકમોની તપાસ સામે ૨૫ કેસ.
- જૂનાગઢ-ગીર સોમનાથ: ૨૧ એકમોની તપાસ સામે ૨૦ કેસ.
- ભાવનગર-બોટાદ: ૨૦ એકમોની તપાસ સામે ૧૭ કેસ.
- સુરત: ૨૦ એકમોની તપાસ સામે ૧૪ કેસ.
કેવા પ્રકારની ગેરરીતિઓ ઝડપાઈ?
તપાસ દરમિયાન જ્વેલર્સ દ્વારા કરવામાં આવતી અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી છે: ૧. નિયત વજન કરતા ઓછું વજન આપવું. ૨. વજનકાંટાની સમયસર ફેર-ચકાસણી કે મુદ્રાંકન (Stamping) ન કરાવવું. ૩. ચકાસણી થયા વગરના અનધિકૃત વજન-માપનો ઉપયોગ કરવો. ૪. ખરાઈ પ્રમાણપત્ર (Verification Certificate) ગ્રાહકોને દેખાય તેમ પ્રદર્શિત ન કરવું.
વર્ષ દરમિયાન થયેલી મોટી કાર્યવાહીઓ
કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા માત્ર જ્વેલર્સ જ નહીં, પરંતુ ગત વર્ષમાં અન્ય ક્ષેત્રોમાં પણ કડક હાથે કામ લેવામાં આવ્યું છે:
- દિવાળી ઉત્સવ: મીઠાઈ-ફરસાણની દુકાનો પાસેથી રૂ. ૫.૯૧ લાખનો દંડ.
- પેટ્રોલ પંપ તપાસ: ૧૯ એકમો પાસેથી રૂ. ૬૯,૫૦૦/- નો દંડ.
- ખેતી સાધનો/ખાતર: ૨૧૦ વિક્રેતાઓ પાસેથી રૂ. ૫.૮૪ લાખનો દંડ.
- હાઈવે હોટલ્સ: ૧૬૯ એકમો પાસેથી રૂ. ૬.૧૮ લાખનો દંડ.
આમ, સમગ્ર વર્ષ દરમિયાન તંત્ર દ્વારા વિવિધ ગેરરીતિઓ બદલ કુલ રૂ. ૧૮.૭૭ લાખથી વધુની માંડવાળ ફી વસૂલવામાં આવી છે. તંત્રની આ સક્રિયતાને કારણે ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
