આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવેલી ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા સામે લાલ આંખ કરી છે. ચૈતર વસાવાએ મંડળના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આ ભરતીમાં અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારો માટે રાખવામાં આવેલી ૪૦ ટકા ફરજિયાત લઘુતમ ગુણની શરત ભારત ના બંધારણના અનુચ્છેદ ૧૬(૪) અને અનુચ્છેદ ૩૩૫નું સરેઆમ ઉલ્લંઘન છે.
ભરતી પ્રક્રિયામાં વિસંગતતા
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ૧૫૦ ગુણના પેપરમાં ૬૦ ગુણ ફરજિયાત મેળવવાની શરત અનામત અને બિન-અનામત વર્ગ માટે એકસરખી રાખવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં SC અને ST ઉમેદવારોને લઘુતમ ગુણમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. અનામત વર્ગના ઉમેદવારોની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ અલગ હોવાથી તેમને જનરલ કેટેગરીના ધોરણો સાથે સરખાવી શકાય નહીં. આ કડક નિયમને કારણે અનેક પ્રતિભાશાળી આદિવાસી યુવાનો સરકારી નોકરીની તકથી વંચિત રહી જવાની ભીતિ છે.
ધારાસભ્ય ચૈતર વસાવાની મુખ્ય માંગણીઓ:
૧. લઘુતમ ગુણમાં છૂટછાટ: ST ઉમેદવારો માટે ૪૦ ટકાની મર્યાદા ઘટાડવી અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ.
૨. અલગ પરિણામ: રેવન્યુ તલાટી (જાહેરાત ક્રમાંક ૩૦૧) નું પરિણામ તૈયાર કરતી વખતે અનામત વર્ગનું લિસ્ટ સામાન્ય ઉમેદવારોથી અલગ રાખવું.
૩. ન્યાયિક પ્રક્રિયા: અગાઉ લોકરક્ષક ભરતીમાં થયેલા અન્યાયનું પુનરાવર્તન ન થાય અને ઉમેદવારોને નોકરી પહેલા પૂરતું માર્ગદર્શન મળે તેવા ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજવા.
આંદોલનની ચીમકી
ચૈતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “અનામતનો અર્થ માત્ર બેઠકો ખાલી રાખવી એવો નથી, પણ તકની સમાનતા આપવી એવો છે.” જો રાજ્ય સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ આદિવાસી સમાજના હિતમાં તાત્કાલિક નિર્ણય નહીં લે, તો આગામી સમયમાં ન્યાયિક લડતની સાથે સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ પરંતુ ઉગ્ર રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ રજૂઆતને પગલે રાજ્યના હજારો આદિવાસી ઉમેદવારોમાં ન્યાયની આશા જાગી છે અને હવે સૌની નજર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે.
