ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે બે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાહિતકારી નિર્ણયોની જાહેરાત કરી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, સરકારે ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપી છે. હવે આવા કિસ્સાઓમાં જંત્રી મુજબની લાખોની સ્ટેમ્પ ડ્યુટી ભરવાને બદલે માત્ર રૂપિયા 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવામાં આવશે.
આ નિર્ણયથી થનારા ફાયદા:
- આર્થિક રાહત: ખેડૂતોને વારસાઈ મિલકતના વેચાણ કે હસ્તાંતરણ વખતે પડતું આર્થિક ભારણ ઓછું થશે.
- વિવાદોમાં ઘટાડો: પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણીની પ્રક્રિયા સરળ બનતા કોર્ટ-કચેરીના કેસો અને પારિવારિક વિવાદોમાં ઘટાડો થશે.
- ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ: ₹300ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી વહીવટી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે, જેનાથી જમીન વ્યવહારોમાં પારદર્શિતા આવશે.
ગણોતિયાઓ માટે માલિક બનવાની સુવર્ણ તક
બીજા એક મહત્વના નિર્ણયમાં, મુખ્યમંત્રીએ રાજ્યના ગણોતિયાઓ માટે ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. હવે ગણોતિયાઓ ડિસેમ્બર-2026 સુધીમાં ખરીદ કિંમત ભરી શકશે.
ઉલ્લેખનીય છે કે, ઘણા કિસ્સાઓમાં ગણોતિયાઓએ ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાથી તેઓને જમીનના કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના કારણે જમીન વેચાણ કે બિન-ખેતી (NA) કરાવવામાં જે મુશ્કેલીઓ પડતી હતી, તેનો હવે અંત આવશે. આ મુદ્દત વધારાથી હજારો ગણોતિયાઓ નિયત રકમ ભરીને પોતાની ખેતીની જમીનના કાયદેસરના માલિક બની શકશે.
કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રને વેગ
રાજ્ય સરકારના આ બંને નિર્ણયો ખેડૂતોના આર્થિક ઉત્થાન માટેના પ્રયાસો દર્શાવે છે. વારસાઈ જમીનના પ્રશ્નો ઉકેલાતા અને ગણોતિયાઓને માલિકી હક મળતા ગ્રામીણ વિસ્તારોમાં જમીન સંબંધિત ગૂંચવણો ઓછી થશે અને કૃષિ ક્ષેત્રે રોકાણ તેમજ વિકાસને નવો વેગ મળશે.
