મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન શોના હોસ્ટ દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવી હતી, જેનો વીડિયો વાયરલ થતા નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે હવે બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાને ખુલ્લેઆમ રાજપાલ યાદવનું સમર્થન કર્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
એક એવોર્ડ શો દરમિયાન જ્યારે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના સંકટ અંગે ચર્ચા થઈ રહી હતી, ત્યારે રાજપાલ યાદવે કહ્યું હતું કે, “દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે, આટલા યુદ્ધો ચાલે છે. હું રૂપિયા અને ડોલરના ઉતાર-ચઢાવ કેવી રીતે સમજાવું.” આ વાત પર શોના હોસ્ટે કટાક્ષ કરતા કહ્યું કે, “ડોલર-રૂપિયો ગમે તેટલો પડી રહ્યો હોય, તમારે તો એટલા જ રૂપિયા ચૂકવવા પડશે જેટલા ઉધાર છે.” હોસ્ટની આ ટિપ્પણીથી ત્યાં હાજર સ્ટાર્સ પણ ચોંકી ગયા હતા.
સલમાન ખાનનું જડબાતોડ ટ્વીટ
રાજપાલ યાદવના સમર્થનમાં સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખી છે. સલમાન ખાને લખ્યું, “રાજપાલ ભાઈ, તમે ૩૦ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો અને અમે તમને વારંવાર એટલે પસંદ કરીએ છીએ કારણ કે તમે તમારું કામ સારી રીતે જાણો છો. તમને કામની ક્યારેય કમી નહીં હોય અને આ જ રેટ પર તમને કામ મળતું રહેશે, એ જ હકીકત છે.”
વધુમાં સલમાને ઉમેર્યું કે, “યાદ રાખજો કે ક્યારેક વહેણમાં કેટલીક વાતો નીકળી જતી હોય છે. જો કંઈ આપવું જ હોય તો મગજમાં રાખો અને દિલથી કામ કરો. ડોલર ઉપર જાય કે નીચે, શું ફેર પડે છે, આપવાનું તો ભારતમાં જ છે ને!”

ચાહકો દ્વારા સલમાનની પ્રશંસા
સલમાન ખાન હંમેશા પોતાના સહ-કલાકારોની મદદ માટે જાણીતા છે. જ્યારે રાજપાલ યાદવ જેલમાં હતા ત્યારે પણ સલમાન તેમની મદદે આવ્યા હતા. ભાઈજાનના આ લેટેસ્ટ ટ્વીટ બાદ ફેન્સ સલમાનની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે હોસ્ટને પાઠ ભણાવવા માટે સલમાનનું આ નિવેદન પૂરતું છે. હાલમાં આ મુદ્દે રાજપાલ યાદવ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ફિલ્મ જગતમાં આ ‘સપોર્ટ વોર’ તેજ બની છે.
