નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે આયોજિત યમુના પુનરુદ્ધાર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન વિપક્ષી નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વિશાળ જનસભાને સંબોધતા ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે, ભાજપના બૂથ કાર્યકરોથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ લોકો જનતા સાથે સતત જોડાયેલા રહે છે અને તેમની સમસ્યાઓ ઉકેલવા રાત-દિવસ પરિશ્રમ કરે છે, જેના કારણે આગામી ૩૦ વર્ષ સુધી કોંગ્રેસ માટે કેન્દ્રની સત્તા પર પુનઃ પુનરાવર્તન કરવાનો કોઈ મોકો નથી.
રાહુલ ગાંધીના બેવડા ધોરણો અને ‘વોટ ચોરી’ના આક્ષેપો પર પ્રહાર કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની જનતા એ વાત સારી રીતે સમજી ગઈ છે કે રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓ ‘વોટ ચોરી’ના આક્ષેપોના ઓથા હેઠળ ગેરકાયદે ઘૂસણખોરોની વોટબેંક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “રાહુલજી, દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરવાથી જનતાના જનાદેશને બદલી શકાતો નથી. જ્યારે કોર્ટના નિર્ણયો તમારા પક્ષમાં આવે ત્યારે તમે તેને યોગ્ય ગણાવો છો અને જ્યારે વિરુદ્ધમાં આવે ત્યારે ન્યાયપ્રણાલી સામે સવાલો ઉઠાવો છો. આ પ્રકારની બેવડી નીતિ હવે ચાલવાની નથી. ભાજપ એનડીએના શાસન અગાઉથી જ દેશના અનેક રાજ્યોમાંથી કોંગ્રેસ સત્તા બહાર થઈ ચૂકી છે.”
દિલ્હી અને યમુના નદીના પ્રદૂષણની ગંભીર સમસ્યા અંગે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ અગાઉની કોંગ્રેસ અને આપ સરકારો પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા ૩૦ વર્ષોમાં અગાઉની સરકારોની બેદરકારીના કારણે દરરોજ ૨,૦૦૦ ટન જેટલો ઝેરી કચરો અને કેમિકલયુક્ત પાણી યમુનામાં ઠાલવવામાં આવતું હતું, જેથી આ પવિત્ર નદી ગંદી ગટરમાં ફેરવાઈ ગઈ હતી. હવે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ ત્રણેય રાજ્યોમાં ભાજપ સરકારોના પરસ્પર સંકલનથી એક સમયબદ્ધ અને સુદ્રઢ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૯ સુધીમાં દિલ્હી અને દેશના નાગરિકો સમક્ષ એક સ્વચ્છ, નિર્મળ અને પુનરુદ્ધાર પામેલી યમુના નદી ભેટમાં આપવામાં આવશે.
પંજાબમાં ડ્રગ્સના વધતા દૂષણ મુદ્દે અરવિંદ કેજરીવાલને ઘેરતાં ગૃહમંત્રીએ ઉમેર્યું કે, આપ સરકારના શાસનમાં પંજાબમાં નશીલા દ્રવ્યોનો વેપાર ચિંતાજનક રીતે વધ્યો છે. દિલ્હીમાં હાર્યા બાદ કેજરીવાલ પંજાબ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાંના મુખ્યમંત્રીના કામકાજમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. પરંતુ જનતાએ હવે બધું જોઈ લીધું છે અને આગામી ચૂંટણીઓમાં આપનો સફાયો કરીને એનડીએ સરકાર લાવવાનો નિર્ણય કરી લીધો છે. વર્ષ ૨૦૨૯ સુધીમાં પંજાબમાંથી નશાના કારોબારને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આ પ્રસંગે તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મંત્રી પરવેશ વર્માના ટૂંકા ગાળામાં યમુના શુદ્ધિકરણ માટે હાથ ધરાયેલા ભગીરથ પ્રયાસોની મુક્ત મને પ્રશંસા કરી હતી.
