ગાંધીનગર: રાજ્યમાં ઈમરજન્સી હેલ્થકેર અને કટોકટીપૂર્ણ સારવાર ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ સર્જાઈ છે. કટોકટીના સમયે ગંભીર દર્દીઓને ઝડપી વિશિષ્ટ સારવાર મળી રહે અને ટ્રાન્સપ્લાન્ટ માટેના માનવ અંગો સમયસર પહોંચાડી શકાય તે હેતુથી શરૂ કરવામાં આવેલી રાજ્ય સરકારની સમર્પિત ચોવીસ કલાક કાર્યરત એર એમ્બ્યુલન્સ સેવાએ વર્ષ ૨૦૨૨ થી અત્યાર સુધીમાં ૯૮ ફ્લાઇટ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. રાજ્યમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રે એક માઈલસ્ટોન સ્થાપિત કરતાં આ સેવા ટૂંક સમયમાં ૧૦૦ સફળ મિશનનો ઐતિહાસિક આંકડો પાર કરવા જઈ રહી છે.
પ્રથમ ફ્લાઇટ ૫ મે, ૨૦૨૨ ના રોજ રાજકોટથી ચેન્નાઈ દર્દીને ખસેડીને હાથ ધરવામાં આવી
રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા સંચાલિત આ સેવાની પ્રથમ ફ્લાઇટ ૫ મે, ૨૦૨૨ ના રોજ રાજકોટથી ચેન્નાઈ દર્દીને ખસેડીને હાથ ધરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં પૂર્ણ થયેલા ૯૮ સફળ મિશનમાંથી ૪૮ મિશન કટોકટીપૂર્ણ સ્થિતિમાં રહેલા ગંભીર દર્દીઓના પરિવહન (Patient Transportation) માટે અને ૫૦ મિશન ટ્રાન્સપ્લાન્ટ માટેના અત્યંત સમય-સંવેદનશીલ માનવ અંગોના પરિવહન (Organ Transportation) માટે હાથ ધરવામાં આવ્યા હતા. દેશભરના નાગરિકો માટે ઉપલબ્ધ આ સેવામાં ‘બીચક્રાફ્ટ કિંગ એર B200’ (VT-GUJ) એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે ચોવીસ કલાક અદ્યતન તબીબી સાધનો, ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથે સજ્જ રહે છે.
કઠિન ભૌગોલિક ટેરેન ધરાવતા શ્રીનગરથી જયપુર સુધી દર્દીને સફળતાપૂર્વક પહોંચાડ્યો
એર એમ્બ્યુલન્સ સેવાની સૌથી મોટી ખાસિયત તેની ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી છે. આ એરક્રાફ્ટ મોટા મેટ્રોપોલિટન એરપોર્ટ ઉપરાંત નાની અને અનકંટ્રોલ્ડ એરસ્ટ્રિપ્સ પરથી પણ સુરક્ષિત ટેક-ઓફ અને લેન્ડિંગ કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારના દર્દીને રોડ માર્ગની લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળે છે. ૨ જૂન ૨૦૨૪ ના રોજ કઠિન ભૌગોલિક ટેરેન ધરાવતા શ્રીનગરથી જયપુર સુધી દર્દીને સફળતાપૂર્વક પહોંચાડીને આ ટીમે પોતાની તકનીકી ક્ષમતા સાબિત કરી હતી. આ સેવામાં ‘૧૦૮’ ઈમરજન્સી સર્વિસ, GUJSAIL ફ્લાઇટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટ, એરપોર્ટ ઓથોરિટી અને સંબંધિત હોસ્પિટલો વચ્ચે અદ્ભુત સંકલન જાળવવામાં આવે છે.
જનકલ્યાણ અને માનવતાના અભિગમ સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આ સેવા અત્યંત રાહત દરે (સબસિડી સાથે) પૂરી પાડે છે. ગુજરાતી દર્દીઓ માટે સબસિડીવાળો દર માત્ર ₹૫૦,૦૦૦, બિન-ગુજરાતી દર્દીઓ માટે ₹૬૫,૦૦૦ અને હોસ્પિટલ બુકિંગ માટે ₹૫૫,૦૦૦ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાનના આરોગ્ય ક્ષેત્રે વિઝનરી નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પહેલ આજે સમગ્ર ભારતના નાગરિકો માટે એક આશાનું કિરણ બનીને ઉભરી આવી છે.
