હિંમતનગર (સાબરકાંઠા): સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ચાંપલાનાર ગામે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા અને દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને આગેવાન ભક્તિસિંહ સરદારસિંહ મકવાણા સામે ચાંપલાનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે જાતિવિષયક અપમાનિત કરવા, બેફામ ગાળો આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાજપના જ પૂર્વ સદસ્ય સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થતાં સમગ્ર પંથક અને જિલ્લાના રાજકીય આલમમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
“તું ભલે સરપંચ હોય પણ ગામમાં તો મારું જ રાજ ચાલશે”
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યાના સુમારે ફરિયાદી મહિલા સરપંચ ચાંપલાનાર ગ્રામ પંચાયતની ઓસરીમાં ગયા હતા. તે વખતે ત્યાં હાજર આરોપી ભક્તિસિંહ સરદારસિંહ મકવાણાએ મહિલા સરપંચને જોઈને ઉશ્કેરાઈ જઈ જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા. જ્યારે મહિલા સરપંચે આવી ભાષાનો વિરોધ કર્યો, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને બેફામ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, “હું પૂર્વ જિલ્લા સદસ્ય છું અને તું ભલે સરપંચ હોય પણ ગામમાં તો મારું જ રાજ ચાલશે.”
મેં ભલભલાને ઠેકાણે પાડી દીધા છે તો તું શું ચીજ છે? : મહિલા સરપંચને આપી ધમકી
આટલેથી ન અટકતાં આરોપી ભક્તિસિંહ મકવાણાએ ગાંધીનગર સુધી પોતાની પહોંચ હોવાના અને ભૂતકાળના કિસ્સાઓનો હવાલો આપી દાદાગીરી બતાવી હતી. તેણે કહ્યું કે, “ગામમાં પૂછી લેજે, છેલ્લા ૩૦ વર્ષથી પંચાયત અને ડેરીમાં મારું રાજ ચાલે છે અને મારું કોઈ બગાડી શકતું નથી. મેં ભલભલાને ઠેકાણે પાડી દીધા છે તો તું શું ચીજ છે?” સાથે જ આરોપીએ મહિલા સરપંચને ચીમકી આપી હતી કે જો હવે પછી પંચાયતમાં પગ મૂકીશ કે આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. આ ધમકી અને માનસિક ત્રાસ બાદ મહિલા સરપંચે ગાંભોઈ પોલીસ મથકે પહોંચીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
ગામના વિકાસ અને પ્રજાકીય કાર્યો માટે ચંટાઈને આવેલી મહિલા સરપંચ પર આ પ્રકારે રાજકીય વગ ધરાવતા પૂર્વ પ્રતિનિધિ દ્વારા દબાણ, ધાકધમકી અને જાતિવાચક આક્ષેપો કરવાના બનાવને સ્થાનિકો અને સામાજિક સંગઠનોએ ભારે શબ્દોમાં સખત નિંદા કરી છે. ગાંભોઈ પોલીસે મહિલા સરપંચની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocity Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોકશાહી દેશમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર ન હોઈ, સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા પ્રતિનિધિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ મામલે કડક સજાની માંગણી ઉઠી છે.
