ગાંધીનગર: ગુજરાતના કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા ખેડૂતોની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા વિશેષ રૂપે હાજર રહેશે. આ સમારોહ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી પસંદ કરાયેલા કુલ ૯૩ પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ્સથી નવાજવામાં આવશે, જેમાં ૧૦ ખેડૂતોને રાજ્ય કક્ષાના અને ૮૩ ખેડૂતોને જિલ્લા કક્ષાના પુરસ્કારો એનાયત કરાશે.
આ પુરસ્કારો વિવિધ કૃષિ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેડૂતોને આપવામાં આવશે. જેમાં ૧૫ એવોર્ડ પ્રાકૃતિક કૃષિ (Natural Farming), ૪૫ એવોર્ડ ફળ-ફૂલ અને શાકભાજીની ખેતી, ૧૫ એવોર્ડ પશુપાલન ક્ષેત્રે તેમજ ૮ એવોર્ડ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો, પેકિંગ અને પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી બદલ એનાયત કરવામાં આવશે. ખેડૂતોના ઉત્પાદનોને સીધું બજાર મળે અને ગ્રાહકો સુધી શુદ્ધ પ્રાકૃતિક પેદાશો પહોંચી શકે તે માટે ‘ખેડૂતથી બજાર અને બજારથી ગ્રાહક’ ના મંત્ર સાથે રાજ્યભરમાં આશરે ૧૦૦ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ પણ કરાશે. આ કેન્દ્રોમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૪, જિલ્લા મથકોએ ૧૮ અને તાલુકા કક્ષાએ ૫૮ કેન્દ્રોનો સમાવેશ થાય છે.
કૃષિ ક્ષેત્રે આધુનિક સ્પેસ ટેકનોલોજી અને જિયો-સ્પેશિયલ ડેટાનો ઉપયોગ વધારવા માટે આ પ્રસંગે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઇસરો ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોને પાકના વાવેતરથી લઈને લણણી સુધીની સચોટ માહિતી, પાકવાર વિસ્તાર અને ઉત્પાદનના અંદાજો તેમજ વાતાવરણીય નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન સમયસર મળી રહેશે. આ ઉપરાંત, કૃષિ વિસ્તરણ સેવાઓને ગ્રામીણ સ્તરે વધુ ઝડપી અને મજબૂત બનાવવાના હેતુથી નવનિયુક્ત ૧૪ મદદનીશ ખેતી નિયામક (વર્ગ-૨) અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના આ મુખ્ય સમારોહની સાથે સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૩૪ સ્થળોએ પ્રભારી મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાશે. જેમાં વાવ-થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી હાજર રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી હજારો ખેડૂતો ડિજિટલ માધ્યમથી લાઈવ જોડાશે, જે ગુજરાતના કૃષિ ઈતિહાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે.
