વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે ફરી એકવાર પોતાની સતર્કતા અને ટેકનોલોજીના સમન્વયથી પ્રશંસનીય કામગીરી કરી છે. રાજકોટના રહીશ વિજયસિંહ નેપાળી પોતાના અંગત કામ અર્થે વડોદરા આવ્યા હતા. તેઓ ગોત્રી વિસ્તારથી રિક્ષા ભાડે કરીને વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રેન પકડવાની ઉતાવળમાં વિજયસિંહ પોતાનું કિંમતી લેપટોપ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. રિક્ષા ચાલક રવાના થઈ ગયા બાદ તેમને લેપટોપ ગુમ થયાનો અહેસાસ થયો હતો.
CCTV ફૂટેજ બન્યા પોલીસની ત્રીજી આંખ
ગભરાયેલા વિજયસિંહે તુરંત સયાજીગંજ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે સમય ગુમાવ્યા વગર તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ ટીમ દ્વારા ગોત્રીથી રેલવે સ્ટેશન સુધીના રૂટ પર લાગેલા સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસને સફળતા મળી અને જે રિક્ષામાં વિજયસિંહ આવ્યા હતા તેનો નંબર શોધી કાઢવામાં આવ્યો હતો.
રિક્ષા ચાલકના ઘરે પહોંચી પોલીસે લેપટોપ મેળવ્યું
રિક્ષા નંબરના આધારે તેના માલિકની વિગતો મેળવી પોલીસની ટીમ સીધી રિક્ષા ચાલકના ઘરે પહોંચી હતી. પોલીસે રિક્ષા ચાલક પાસેથી વિજયસિંહનું લેપટોપ કબજે કર્યું હતું. ત્યારબાદ પોલીસ મથકે મૂળ માલિક વિજયસિંહ નેપાળીને બોલાવીને વિધિવત રીતે તેમનું લેપટોપ પરત સોંપવામાં આવ્યું હતું.
પોતાનું મહત્ત્વનું ડેટા ધરાવતું લેપટોપ સુરક્ષિત પરત મળતા વિજયસિંહે રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે સયાજીગંજ પોલીસની આ ત્વરિત અને નિષ્ઠાવાન કામગીરીને જાહેરમાં બિરદાવી હતી અને પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વડોદરા પોલીસ નાગરિકોની સુરક્ષા અને તેમની મિલકતની જાળવણી માટે હરહંમેશ તૈયાર છે.
