સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬’ ને યાદગાર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સમગ્ર સોમનાથ અત્યારે ભક્તિમય અને શિવમય બન્યું છે, ત્યારે આ પવિત્રતાને જાળવી રાખવા માટે સફાઈ કર્મચારીઓ પોતાનું અતુલ્ય યોગદાન આપી રહ્યા છે.
૧૦૦૦થી વધુ સફાઈ કર્મયોગીઓનું મહા-અભિયાન
સોમનાથ અને વેરાવળને સ્વચ્છ બનાવવા માટે માનવબળનું એક વિશાળ ગઠબંધન રચાયું છે. આ સફાઈ અભિયાનમાં વેરાવળ નગરપાલિકાના ૩૦૦ થી વધુ કર્મચારીઓ અને અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર જેવી વિવિધ નગરપાલિકાઓના ૭૦૦ થી વધુ મળીને કુલ ૧૦૦૦થી વધુ સફાઈ કર્મયોગીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. છેલ્લા ૫ દિવસથી આ કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર સોમનાથના ખૂણેખૂણાને સ્વચ્છ કરવા સતત પરસેવો પાડી રહ્યા છે.
આધુનિક મશીનો અને સઘન કામગીરી
માત્ર મેન્યુઅલ સફાઈ જ નહીં, પરંતુ ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે:
મિકેનાઈઝ્ડ સ્વીપિંગ: મુખ્ય માર્ગોની સઘન સફાઈ માટે આધુનિક મિકેનાઈઝ્ડ સ્વીપિંગ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે.
ગ્રીનરી મેન્ટેનન્સ: રસ્તાની આસપાસ વધારાનું ઘાસ અને ઝાડ-પાનની છાંટણી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે.
મોબાઈલ શૌચાલય: બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે વિવિધ સ્થળોએ ૪૦ થી વધુ મોબાઈલ ટોયલેટ (ચલિત શૌચાલય) ની સુવિધા ઉભી કરવામાં આવી છે.
વિશેષ ટુકડીઓ: ભંડારાના સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં ખાસ સફાઈ ટુકડીઓ સતત કાર્યરત છે.
તંત્ર અને કર્મચારીઓનો સમર્પણ ભાવ
જ્યારે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ ઉમટી રહ્યા હોય, ત્યારે શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કામદારોની આ મથામણ ખરેખર પ્રશંસનીય છે. તેમના અથાગ પરિશ્રમને કારણે જ સોમનાથ અને વેરાવળનું વાતાવરણ અત્યંત સ્વચ્છ, સુંદર અને પવિત્ર જળવાઈ રહ્યું છે. વડાપ્રધાનના સ્વાગત માટે સોમનાથ અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે.
