આણંદ: આગામી ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની કાતલ મંજધારી દોરીથી વાહનચાલકોને થતા અકસ્માતો રોકવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ખાસ ‘સેફ્ટી ગાર્ડ’ લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વિનામૂલ્યે ૩૫૦થી વધુ સેફ્ટી ગાર્ડનું વિતરણ અને ફિટિંગ
શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે મહાનગરપાલિકાની કચેરી બહાર આયોજિત આ કાર્યક્રમમાં રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને ઉભા રાખી તેમના વાહન પર મેટલના સળિયા (સેફ્ટી ગાર્ડ) વિનામૂલ્યે લગાવી આપવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત અંદાજે ૩૫૦થી વધુ વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી ચાલકોને ગળાના ભાગે દોરી વાગવાથી થતી ગંભીર ઇજાઓ સામે રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.
ઓવરબ્રિજ પર પણ સુરક્ષા કવચ
વાહનચાલકો માટે સૌથી વધુ જોખમી એવા શહેરના ઓવરબ્રિજ પર પણ મહાનગરપાલિકાએ અગમચેતીના પગલાં લીધા છે. બ્રિજ પરથી પસાર થતા લોકોને પતંગની દોરી ન નડે તે માટે બ્રિજની બંને બાજુએ સુરક્ષા વાયર લગાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે ઉતરાયણ દરમિયાન ટુ-વ્હીલર ચાલકો નિર્ભયપણે અવરજવર કરી શકશે.
અધિકારીઓની ઉપસ્થિતિ અને નગરજનોને અપીલ
આ સુરક્ષા અભિયાન સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા, એસ.કે. ગરવાલ અને સીટી ઇજનેર જીગર પટેલ હાજર રહ્યા હતા. અધિકારીઓએ નગરજનોને અનુરોધ કર્યો હતો કે ઉતરાયણના દિવસે ટુ-વ્હીલર લઈને નીકળતી વખતે ગળામાં સ્કાફ બાંધવો અથવા વાહન પર સેફ્ટી ગાર્ડ અચૂક લગાવવો જેથી પર્વનો આનંદ જળવાઈ રહે અને કોઈ અઘટિત ઘટના ન બને.
