ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્રનગર વિસ્તારમાં આજે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. કુંઝાપુરી–હિંડોલાખાલ નજીક એક યાત્રી બસ અચાનક ઊંડી ખાઈમાં ખાબકતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બસમાં સવાર યાત્રીઓ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી ઉત્તરાખંડમાં ધાર્મિક શિબિરો અને પ્રવાસે આવ્યા હતા.
આ ગોઝારી દુર્ઘટનામાં વડોદરા શહેરના એક યુવાન શ્રદ્ધાળુનું પણ કરુણ મોત થયું છે, જેના કારણે વડોદરાના બાજવાડા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
વડોદરાના પાર્થ જોશીનું દુઃખદ અવસાન: ત્રણ બહેનોએ ગુમાવ્યો ભાઈ
બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ લોકોમાં વડોદરાના પાર્થ મધુસુદન જોશીનો સમાવેશ થાય છે. પાર્થ જોશી વડોદરાના બાજવાડા ખત્રી પોળ વિસ્તારમાં રહેતા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, પાર્થ જોશી માત્ર ત્રણ દિવસ પહેલાં જ એક ધાર્મિક શિબિરમાં ભાગ લેવા માટે વડોદરાથી ઉત્તરાખંડ જવા રવાના થયા હતા. તેઓ ૧૦ દિવસની શિબિર બાદ પોતાના ઘરે પરત ફરવાના હતા, પરંતુ આ માર્ગ અકસ્માતે પરિવારની ખુશી છીનવી લીધી. પાર્થના મૃત્યુના સમાચાર મળતા જ તેમના બાજવાડા સ્થિત નિવાસસ્થાને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વડોદરા પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ઉત્તરાખંડમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં વડોદરાના પાર્થ મધુસુદન જોશીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ લગભગ ચાર-પાંચ દિવસ પહેલાં ગયા હતા અને આગામી બીજી તારીખે પરત આવવાના હતા.” તેમણે વધુમાં જણાવ્યું કે પાર્થ જોશીને ત્રણ બહેનો છે.
કલેક્ટર કચેરીની ટીમ પાર્થ જોશીના ઘરે પહોંચી
ઘટનાની ગંભીરતા અને પરિવાર પર આવેલા દુઃખને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીની એક ટીમ તાત્કાલિક મૃતક પાર્થ જોશીના ઘરે બાજવાડા ખત્રી પોળ પહોંચી હતી અને શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
વહીવટી તંત્ર દ્વારા હાલમાં મૃતદેહને વતન લાવવા અંગેની કાર્યવાહી માટે ઉત્તરાખંડના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. મામલતદાર દ્વારા જણાવાયું હતું કે, મૃતદેહ ત્યાંથી નીકળે તે પછીની વિગતો પરિવારજનોને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બસમાં સવાર અન્ય યાત્રીઓમાં પણ ગુજરાતના શ્રદ્ધાળુઓ હોવાની શક્યતા છે, જે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ દુર્ઘટનાને કારણે ટિહરી વિસ્તારમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે.
