વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા આકાશ સોનવણે નામના યુવકનું જૂની અદાવત રાખીને 6 જેટલા ઈસમોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. હુમલાખોરોએ યુવકને વાઘોડિયા હાઈવે પર એક સુમસામ સ્થળે લઈ જઈ લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે મૂઢ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
ભોગ બનનારની આપવીતી: “લોકોના ટોળા વચ્ચેથી મને ખેંચી ગયા”
ભોગ બનનાર આકાશ સોનવણેએ પોલીસને જણાવ્યું કે, “હું ઉભો હતો ત્યારે એક યુવકે મને બોલાવ્યો અને સાથે આવવા કહ્યું. મેં જવાની ના પાડતા અન્ય શખ્સો પણ ત્યાં ધસી આવ્યા અને મને પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું છતાં હુમલાખોરો મને ખેંચીને ગંગાસાગર ચાર રસ્તા સુધી લઈ ગયા હતા.”

ત્યાંથી હુમલાખોરો તેને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી વાઘોડિયા હાઈવે તરફ લઈ ગયા હતા. હાઈવે નજીક એક સુમસામ સ્થળે આવેલી રૂમમાં પૂરીને 6 શખ્સોએ તેને ઢોર માર માર્યો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં આકાશ જેમતેમ કરીને મુખ્ય માર્ગ પર આવ્યો અને એક અજાણ્યા વ્યક્તિની મદદ લઈ મિત્રને ફોન કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
મકરપુરા પોલીસની કાર્યવાહી: આરોપીની ધરપકડ અને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન
આ ગંભીર ગુનાની તપાસ હાથ ધરતા મકરપુરા પોલીસે મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા તપાસને મજબૂત બનાવવા માટે આરોપી પ્રિન્સ ચૌહાણને સાથે રાખીને ઘટના સ્થળનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને જે જગ્યાએથી અપહરણ કર્યું હતું અને જ્યાં માર માર્યો હતો તે તમામ સ્થળોએ લઈ જઈને ઘટનાની વિગતો મેળવી હતી. હાલ પોલીસ અન્ય પાંચ ફરાર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
