ગાંધીનગર: ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી ડૉ. શમશેર સિંહની ફરી એકવાર રાજ્યમાં સત્તાવાર વાપસી થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, Border Security Force (BSF) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) પદે ફરજ બજાવતા ડૉ. શમશેર સિંહને તેમના પેરેન્ટ કેડર (ગુજરાત) માં સમય પહેલા પરત મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. ૧૯૯૧ બેચના આ અધિકારી હવે તાત્કાલિક ધોરણે રાજ્યમાં પરત ફરશે.
સમય પહેલા વાપસીથી ચર્ચાઓનું બજાર ગરમ
ડૉ. શમશેર સિંહ જાન્યુઆરી ૨૦૨૫માં ગુજરાત ACB ના DGP પદેથી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયા હતા. જોકે, માર્ચ ૨૦૨૬માં તેમની નિવૃત્તિ નિર્ધારિત છે. નિવૃત્તિના અંદાજે ૧૪ મહિના પહેલા જ રાજ્ય કેડરમાં તેમની અચાનક વાપસી થતા વહીવટી લોબીમાં અનેક અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ છે. માનવામાં આવે છે કે રાજ્ય સરકાર તેમને કોઈ મહત્વની અને મોટી જવાબદારી સોંપી શકે છે.
નિવૃત્તિ પૂર્વે રાજ્યમાં મહત્વનો રોલ?
અગાઉ વડોદરા પોલીસ કમિશનર અને રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં પ્રશંસનીય કામગીરી કરી ચૂકેલા ડૉ. શમશેર સિંહની પ્રતિષ્ઠા એક કડક અને બાહોશ અધિકારી તરીકેની છે. કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પરથી અચાનક મુક્તિ મળવી અને રાજ્યમાં પરત ફરવું એ પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યું છે.
