વડોદરા: સંસ્કારી નગરી વડોદરા માટે આવતીકાલનો દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. પાડોશી દેશ શ્રીલંકાના કોલંબો શહેરમાં આયોજિત બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાગ લેનારા લાખો ભાવિકોના દર્શનાર્થે વડોદરામાં સુરક્ષિત રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો મોકલવામાં આવશે. આ મંગલ કાર્ય માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ વડોદરા પધારશે.
એમ.એસ. યુનિવર્સિટીમાં ગરિમાપૂર્ણ આયોજન
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તા. 3 ફેબ્રુઆરીને મંગળવારના રોજ બપોરે 4:15 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ખાતે પહોંચશે. કાર્યક્રમની શરૂઆતમાં બુદ્ધિસ્ટ સંતો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર અને જાપ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ અવશેષોને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવશે અને યુનિવર્સિટી પરિસરમાંથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.
વાયા દિલ્હી થઈ કોલંબોની સફર
વડોદરાથી આ પવિત્ર અવશેષોને સંપૂર્ણ સુરક્ષા સાથે એરપોર્ટ લઈ જવામાં આવશે. ત્યાંથી વિશેષ પ્લેન મારફતે વાયા દિલ્હી થઈને આ અવશેષો શ્રીલંકાની રાજધાની કોલંબો મોકલવામાં આવશે. શ્રીલંકા સરકાર અને બુદ્ધિસ્ટ સંગઠનો દ્વારા આ અવશેષોના વધામણાં માટે કોલંબોમાં પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.
દેવની મોરીના અવશેષોની વિશેષતા
ઉલ્લેખનીય છે કે, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી પાસે વર્ષોથી ભગવાન બુદ્ધના અસ્થિ અવશેષો સુરક્ષિત છે, જે અગાઉ દેવની મોરી (સાબરકાંઠા) ના ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયા હતા. આ અવશેષોને આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શનાર્થે મોકલવા એ ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોનું પ્રતિક છે.
