વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વડોદરાના એક મધ્યમ કદના ઉદ્યોગે (MSME) વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી છે. ત્રણ વર્ષના સઘન સંશોધન અને મહેનત બાદ વડોદરાના ‘વિવિધ હાઇફેબ’ નામક એકમે ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં વપરાતા અતિ સંવેદનશીલ સાધનો બનાવવામાં સફળતા મેળવી છે. વિશ્વમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યાં ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનર અને સ્ટોરેજ રેક એક જ સ્થળે બનતા હોય.
શા માટે આ સાધનો છે અતિ મહત્વના?
ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા માટે યુરેનિયમના ફ્યુઅલ રોડ્સનો ઉપયોગ થાય છે. જ્યારે આ રોડ્સની આવરદા પૂર્ણ થાય, ત્યારે તેને ‘સ્પેન્ટ ફ્યુઅલ’ કહેવામાં આવે છે. આ વપરાયેલા રોડ્સ અતિશય ગરમ હોય છે અને તેમાંથી ખતરનાક રેડિયેશન (વિકિરણો) નીકળતા હોય છે.
સુરક્ષિત સંગ્રહ: રિએક્ટરમાંથી કાઢ્યા બાદ તેને ૬-૭ વર્ષ સુધી પાણીમાં ઠંડા રાખવા પડે છે.
પરિવહન: ત્યારબાદ તેને ‘અવે ફ્રોમ રિએક્ટર સેન્ટર’ ખાતે ખસેડવા માટે વિશેષ કન્ટેનરની જરૂર પડે છે.
રેડિયેશનથી રક્ષણ: વડોદરામાં બનેલા આ રેક્સ બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવાયા છે, જે ન્યુટ્રોન એમિશન (વિકિરણો) ને બહાર આવતા અટકાવે છે.
કુડાનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટને મળશે પ્રથમ લાભ
અત્યાર સુધી ભારત આ ટેકનોલોજી અને સાધનો માટે વિદેશી આયાત પર નિર્ભર હતું. પરંતુ ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના સહયોગથી વડોદરામાં આ સાધનો તૈયાર થતા હવે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચશે. કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓના કડક પરીક્ષણોમાં આ સાધનો ખરા ઉતર્યા છે. આવતીકાલે આ પ્રથમ કન્સાઈનમેન્ટ તમિલનાડુના કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે મોકલવામાં આવશે.
એમએસએમઇ સેક્ટર માટે પ્રેરણારૂપ સિદ્ધિ
આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે જો યોગ્ય તક અને સંશોધન કરવામાં આવે, તો ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિશ્વના કોઈપણ દેશને ટક્કર આપી શકે છે. વડોદરાના આ એકમે ત્રણ વર્ષ સુધી રાત-દિવસ એક કરીને આ જટિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે, જે સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે.
