‘સ્માર્ટ સિટી’ વડોદરામાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આજે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી બરોડા ડેરી પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં ભળી જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મજૂરોના ભરોસે રામરાજ્ય: અધિકારીઓ ગેરહાજર
મળતી માહિતી મુજબ, પ્રતાપનગર વિસ્તારમાં પાણીની લાઈન સંબંધિત કોઈ કામગીરી ચાલી રહી હતી. જોકે, આ સંવેદનશીલ કામગીરી સ્થળ પર કોઈ જવાબદાર એન્જિનિયર કે અધિકારીની હાજરી વગર માત્ર મજૂરોના ભરોસે છોડી દેવામાં આવી હતી. કામગીરી દરમિયાન લાઈનમાં પંચર અથવા ભંગાણ પડતા પાણીનો પ્રવાહ રોકવો મુશ્કેલ બન્યો હતો અને જોતજોતામાં રસ્તાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.
નાગરિકોની હાલાકી અને તંત્રની ઉદાસીનતા
વડોદરાના અનેક વિસ્તારોમાં આજે પણ નાગરિકો પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. ઓછા ફોર્સથી આવતા પાણીની ફરિયાદો વચ્ચે જ્યારે આ પ્રકારે હજારો લીટર પાણીનો વેડફાટ થાય ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થાય છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, “જ્યારે પણ કોઈ કામગીરી સોંપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર માત્ર મજૂરોને મોકલી દે છે. અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી રહે છે અને જનતાના ટેક્સના પૈસાથી શુદ્ધ કરેલું પાણી રસ્તા પર વેડફાય છે.”
હવે જોવાનું એ રહેશે કે વડોદરા મહાનગરપાલિકા આ બેદરકારી બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ દંડનીય કાર્યવાહી કરે છે કે પછી હંમેશની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે.
