વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ૭૬ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. કુલ ૭૬ બેઠકોમાંથી ૨ બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચુકી હોવાથી આજે ૭૪ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં વોર્ડ ૧, ૪, ૭, ૧૦, ૧૩ અને ૧૬ ની ગણતરી પૂર્ણ થતા જ ભાજપના વિજેતા ઉમેદવારોએ જન સેવાના સંકલ્પ સાથે વિજયોત્સવ મનાવવાનું શરૂ કર્યું છે.
વોર્ડ ૧ માં મોટો અપસેટ: દિગ્ગજ નેતાની હાર
વડોદરાના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર ૧ માં જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના સીટીંગ કાઉન્સિલર અને દિગ્ગજ નેતા અમીબેન રાવતની હાર થઈ છે. આ વોર્ડમાં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે ભવ્ય વિજય મેળવી સૌને ચોંકાવી દીધા છે. આ ઉપરાંત વોર્ડ ૧ માંથી કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા, ભાજપના ભુરસિંહ રાઠવા અને કુંદનબેન ટેલર વિજેતા જાહેર થયા છે.
ભાજપની પેનલનો વિજય અને વોર્ડવાર સ્થિતિ
પ્રથમ તબક્કાની મતગણતરીમાં ભાજપે અનેક વોર્ડમાં ક્લીન સ્વીપ કર્યું છે:
- વોર્ડ ૧૩, ૭, ૪ અને ૧૦: આ ચારેય વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે.
- વોર્ડ ૧૬: અહીં રસાકસીભરી જંગ જોવા મળી હતી, જેમાં ૨ બેઠક ભાજપ અને ૨ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. કોંગ્રેસના સીટીંગ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) અને અલકાબેન પટેલ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યા છે.
ગણતરીની પ્રક્રિયા
ચૂંટણી તંત્ર દ્વારા કુલ ચાર તબક્કામાં મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯ વોર્ડની બેઠકો પર જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થઈ રહ્યા છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અત્યાર સુધીના વલણો જોતા વડોદરામાં ફરી એકવાર ભાજપ મજબૂત પકડ જમાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. વિજેતા થયેલા ભાજપા ઉમેદવારોએ આ જીતને લોકોની સેવાનો અવસર ગણાવી જન સેવાના સંકલ્પ લીધા છે.
