વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સાવલી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP) ના જ વરિષ્ઠ ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાની જ સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સત્તાવાર પત્ર લખીને સાવલી તાલુકામાં બનેલા અતિ મહત્વના બ્રિજ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ખુલ્લેઆમ આક્ષેપો કર્યા છે, જેને પગલે સરકારી વહીવટી તંત્ર અને રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
રૂ.૨૪ કરોડના ખર્ચે બનેલો નવો બ્રિજ ઉદ્ઘાટન સાથે જ બગડ્યો!
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય કેતન ઈનામદારે ઉલ્લેખ કર્યો છે કે, તેમના મતવિસ્તાર સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસેથી પસાર થતી કરડ નદી અને મેસરી નદી પર સરકારી તિજોરીમાંથી રૂપિયા ૨૪.૦૦ કરોડના તોતિંગ ખર્ચે એપ્રોચ રોડ સાથે એક ભવ્ય નવીન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. અચરજની વાત એ છે કે આ બ્રિજ હજુ થોડા સમય પહેલા જ જનતા માટે ખુલ્લો મુકવામાં (શરૂ કરવામાં) આવ્યો છે. બ્રિજ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ તેના રોડ પર મોટી તિરાડો પડી ગઈ છે અને ગુણવત્તા વગરનું આર.સી.સી. (RCC) પણ ઠેર-ઠેરથી ઉખડી ગયેલું જોવા મળ્યું છે, જે પ્રજાના પૈસાનો વેડફાટ અને અત્યંત ગંભીર બાબત છે.

“અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સરકારની નામના ખરડે છે, વિજિલન્સ તપાસ કરો”
ધારાસભ્યએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે કે, “રાજ્ય સરકાર નાગરિકોની ભૌતિક સુવિધાઓ વધારવા માટે હંમેશા અગ્રેસર રહે છે. પરંતુ આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો કે મિલીભગત રાખતા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નબળી કામગીરી કરવામાં આવે છે, જેના લીધે પ્રજા વચ્ચે સરકારની ઉચ્ચ નામના ખરડાય છે, જે ચિંતાનો વિષય છે.” કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ આખા મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય વિજિલન્સ તપાસ (Vigilance Inquiry) કરાવીને કસૂરવાર કોન્ટ્રાક્ટર, એજન્સી અને મિલીભગત રાખનારા તમામ અધિકારીઓ-કર્મચારીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જોરદાર ભલામણ સહ રજૂઆત કરી છે.
