સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાંથી એક ગંભીર અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ હેલ્થ સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓનું રૂટિન ચેકઅપ નર્સ કે ડોક્ટર નહીં, પરંતુ એક સફાઈકર્મી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થા અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે.
વાઈરલ વિડીયો અને પ્રાપ્ત માહિતી મુજબ, રાંદેર હેલ્થ સેન્ટરમાં આવતી સગર્ભા સ્ત્રીઓનું બ્લડ પ્રેશર અને વજન જેવી મહત્વની માહિતી એક સફાઈકર્મી દ્વારા લેવામાં આવી રહી હતી. આ માહિતી એક ફાઇલમાં નોંધીને પછી મેડિકલ ડોક્ટરને આપવામાં આવતી હતી, જે તેના આધારે પ્રિસ્ક્રિપ્શન લખીને દવા આપતા હતા. આ પ્રકારની બેદરકારી અત્યંત જોખમી અને અસ્વીકાર્ય છે, કારણ કે સગર્ભા સ્ત્રીઓનું ચેકઅપ અત્યંત સંવેદનશીલ અને નિષ્ણાત નર્સ અથવા ડોક્ટર દ્વારા જ થવું જોઈએ.
SMC સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરના દ્રશ્યો
સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓનું રૂટિન ચેકઅપ કરતા હોવાનો જાગૃત નાગરિકે લગાવ્યો આક્ષેપ#Surat #SMC #Gujarat pic.twitter.com/T80RnjWMCB— LokVani (@LVaniNews) August 19, 2025
આક્ષેપ મુજબ, આ સમગ્ર બેદરકારી માટે સફાઈકર્મી કરતાં પણ વધુ જવાબદાર હેલ્થ સેન્ટરના મેડિકલ અધિકારી છે, જેમની દેખરેખ હેઠળ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે રાજ્ય અને શહેરના વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે, ‘વિકાસ’ના બણગાં ફૂંકાય છે, પરંતુ પાયાની સેવાઓમાં કેટલી મોટી બેદરકારી અને ‘લાલિયાવાડી’ ચાલે છે.
આ વિડીયો વાયરલ થતા જ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટના ગુજરાતની જાહેર આરોગ્ય સેવાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.
