ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમોને જુદા જુદા જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
જૂનાગઢમાં રેડ એલર્ટ અને જનજીવન પ્રભાવિત
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસાવ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દરિયાકાંઠાના વિસ્તાર એવા માંગરોળમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો, જેના કારણે જેટી પર બાંધેલી બોટને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગે જૂનાગઢ માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
સાવચેતીના પગલાં અને રસ્તાઓ બંધ
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગિરનાર પર્વત પરના જટાશંકર મહાદેવ મંદિર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બે દિવસ પહેલા આ વિસ્તારમાં આવેલા પૂરમાં અનેક લોકો ફસાયા બાદ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિલિંગ્ડન ડેમ અને દામોદર કુંડ પર પણ લોકોને બિનજરૂરી રીતે ન જવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી…
SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ; NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે… pic.twitter.com/svOwzLmtn8— Gujarat Information (@InfoGujarat) August 19, 2025
જૂનાગઢના કલેક્ટરે ટ્વીટ કરીને માહિતી આપી કે, હવામાન વિભાગની આગાહી મુજબ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, તેથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. માંગરોળ-કામનાથ રોડ પર આવેલો કામનાથ કોઝવે પણ હાલ પાણીના ભારે પ્રવાહને કારણે બંધ છે.
ડેમ ઓવરફ્લો અને ગ્રામજનો એલર્ટ
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના દેવગામ પાસે આવેલી આંબાકુઈ નાની સિંચાઈ યોજનામાં પાણીની સતત આવક થતા ડેમ ૧૦૦% ભરાઈ ગયો છે, જેના પગલે લાડુડી, બરુલા, અને ધણેજ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, યાત્રાધામ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે અરવલ્લીના મેઘરજમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે.
