ગોધરા: પંચમહાલ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગોધરા નજીક આવેલા અભરામ પટેલના મુવાડા પાસેથી ગેરકાયદેસર પોષ ડોડાના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ૨૯.૭૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં પોષ ડોડા, વાહન અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે એક પીકઅપ વાહનને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે જોયું કે પીકઅપમાં ઉપરના ભાગે શાકભાજીના ૯૫ થેલામાં કેપ્સીકમ મરચાં ભરેલા હતા, જ્યારે તેની નીચે ૩૭ મીણીયા થેલામાં ગેરકાયદેસર પોષ ડોડા છુપાવવામાં આવ્યા હતા. પોલીસે આ થેલામાંથી કુલ ૮૨૦.૮૩૨ કિલો પોષ ડોડાનો જથ્થો જપ્ત કર્યો, જેની બજાર કિંમત આશરે ૨૪.૬૨ લાખ રૂપિયા આંકવામાં આવી છે.
આ મામલે પોલીસે રાજસ્થાનના બે ઈસમો, બુધારામ ઉર્ફે અનિલકુમાર બિશ્નોઇ અને સોહનલાલ બિશ્નોઇની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૪ નંગ મોબાઇલ ફોન (કિંમત ₹૧૩,૦૦૦) અને પીકઅપ ગાડી (કિંમત ₹૫ લાખ) પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹૨૯.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે.
આ ઘટના અંગે NDPS એક્ટ હેઠળ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
