આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ અને સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં, તારાપુરના રીંઝા ગામના સીમ વિસ્તારમાં ફસાયેલા ૭ લોકોને જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદની SRPF બટાલિયનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નદી કાંઠાના ૧૩ ગામો પૂરથી પ્રભાવિત થયા છે. જેમાં રીંઝા ગામના સીમ વિસ્તારમાં પાણી ભરાઈ જતા કેટલાક લોકો ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તત્કાળ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નડિયાદની SRPF બટાલિયન દ્વારા બોટ અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
બચાવવામાં આવેલા તમામ ૭ લોકોને રીંઝા ગામની પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમના રહેવા, જમવા અને અન્ય તમામ જરૂરિયાતોની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારાપુર તાલુકાના ખડા ગામ ખાતે SDRFની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે, જેથી જરૂર પડે ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય.
