આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગની ટીમે આજે આક્રમક કાર્યવાહી કરતા રસ્તા પર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
વિદ્યાનગર વિસ્તારમાં ૪૮ એકમો સામે દંડનીય કાર્યવાહી
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ખાસ કરીને શૈક્ષણિક ધામ એવા વિદ્યાનગર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભા રહેતા લારી-ગલ્લાઓ અને માર્ગો પર દબાણ કરતા કુલ ૪૮ એકમો ઝડપાયા હતા. આ તમામ એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂપિયા ૨,૪૦,૦૦૦નો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્રની કડક ચેતવણી
એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા આ કાર્યવાહી અંગે જણાવવામાં આવ્યું છે કે, મનપા વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે રસ્તાઓ ખુલ્લા રાખવા અનિવાર્ય છે. જે લોકો જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે લારી-ગલ્લા ઉભા રાખે છે અથવા બાંધકામનો કચરો કે અન્ય સામાન મૂકી ટ્રાફિકને અવરોધે છે, તેમની સામે કાયદાકીય જોગવાઈ મુજબ આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
મહાનગરપાલિકાએ તમામ વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને અપીલ કરી છે કે તેઓ નિયત જગ્યાએ જ વ્યવસાય કરે અને જાહેર માર્ગો પર દબાણ કરવાનું ટાળે, અન્યથા દંડની સાથે માલ-સામાન જપ્ત કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે.
