આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. મનપા કમિશનરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે અનેક મિલકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
મોટી ખોડીયાર રોડ પર ૧૮ દુકાનો સીલ
મનપાની ટેક્સ રિકવરી ટીમ દ્વારા આજે મોટી ખોડીયાર રોડ પર આવેલા ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કોમ્પ્લેક્સમાં લાંબા સમયથી રૂ. ૨,૫૩,૯૮૦/- જેટલો માતબર વેરો બાકી હતો. વારંવારની નોટિસ છતાં રકમ ભરપાઈ ન કરવામાં આવતા, અંતે મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી આ કોમ્પ્લેક્સની ૧૮ દુકાનોને સીલ મારી દીધા છે. આ કાર્યવાહીને પગલે અન્ય ડિફોલ્ટર વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
સ્થળ પર જ રોકડ વસૂલાત
સીલિંગની કાર્યવાહીની સાથે સાથે ટીમે અન્ય મિલકતધારકો પાસેથી પણ બાકી ટેક્સની વસૂલાત કરી હતી. જેમાં વિવિધ મિલકત ધારકો પાસેથી અંદાજે રૂ. ૧,૫૦,૦૦૦/- જેટલો બાકી વેરો સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો.
વેપારીઓને મનપાની અંતિમ ચેતવણી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાની રિકવરી ટીમે જણાવ્યું છે કે, “મનપા વિસ્તારમાં જે પણ મિલકતધારકો કે દુકાનદારોના વેરા બાકી છે, તેઓએ વહેલી તકે દંડ વગર કે નિયત સમયમાં નાણાં જમા કરાવી દેવા જોઈએ. જો સમયસર વેરો નહીં ભરાય તો આગામી દિવસોમાં પણ મિલકત સીલ કરવાની કે હરાજી કરવાની કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.”
