ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ કડીને વધુ મજબૂત કરવાના ભાગરૂપે શ્રીલંકાના શાસક પક્ષ ‘જનતા વિમુખ્તી પેરામુના’ (JVP) ના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને તેમના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને આર્થિક અને ઔદ્યોગિક ભાગીદારીમાં બદલવા અંગે ફળદાયી ચર્ચા થઈ હતી.
ગુજરાતનું ‘પોલીસી ડ્રિવન’ મોડલ શ્રીલંકા માટે પથદર્શક
મુખ્યમંત્રીએ ડેલીગેશનને આવકારતા જણાવ્યું હતું કે ગુજરાત એક ‘પોલીસી ડ્રિવન સ્ટેટ’ છે. શ્રીલંકા ગુજરાતની વિવિધ સેક્ટર્સની પોલીસીઝનો અભ્યાસ કરીને પોતાની જરૂરિયાત મુજબ તેનો લાભ લઈ શકે છે. આ બેઠક દરમિયાન વધુને વધુ ગુજરાતી પ્રવાસીઓ શ્રીલંકા જાય તે દિશામાં પણ સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.
બુદ્ધના અવશેષો અને ભારતની મદદ બદલ આભાર
જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વાએ મહાત્મા ગાંધી અને પીએમ મોદીની ભૂમિ પર પ્રથમવાર પધારીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો (રેલિક્સ) ને કોલંબોમાં પ્રદર્શન માટે મોકલવા બદલ ગુજરાત અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કૃતજ્ઞતા સાથે નોંધ્યું હતું કે જરૂરિયાતના સમયે ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય મદદ કરીને હંમેશા શ્રીલંકાનો સાથ આપ્યો છે.
અમૂલ અને સહકાર ક્ષેત્રમાં ઊંડો રસ
શ્રીલંકાના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં અમૂલની મુલાકાત લીધી હતી, જેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે સહકાર ક્ષેત્ર, નોલેજ શેરિંગ અને ટેકનિકલ ક્નો-હાઉ (Know-how) મેળવવા માટે ગુજરાત સરકાર સાથે સંકલન સાધવાની તત્પરતા દર્શાવી હતી.
વાઇબ્રન્ટ સમિટ 2027નું આમંત્રણ
આગામી વર્ષોમાં આર્થિક સંબંધો વધુ મજબૂત કરવાના આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીલંકાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માં ‘પાર્ટનર કન્ટ્રી’ તરીકે જોડાવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
