નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં એક અદભૂત અને પ્રેરણાદાયી ઘટના બની છે. વાલ્લા પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી સતત કાર્યરત અને “વર્ગને સ્વર્ગ” બનાવનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા, ગ્રામજનોએ તેમનો એવો ભવ્ય વિદાય સમારોહ યોજ્યો જે વર્ષો સુધી યાદ રહેશે. એક સામાન્ય શિક્ષક તરીકે શરૂઆત કરી આજે તેઓ આખા ગામના પરિવારના સભ્ય સમાન બની ગયા હતા.
૩૮ ફૂટનો હાર અને ભવ્ય શોભાયાત્રા
શિક્ષકની ૩૯ વર્ષની સેવાને બિરદાવવા માટે ગ્રામજનોએ અનોખી રીત અપનાવી હતી. તેમને ૩૮ ફૂટ લાંબો ફૂલોનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહ પૂર્વે હિતેશભાઈને બગીમાં બેસાડી, ડીજેના તાલે અને ભવ્ય આતશબાજી સાથે આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દ્રશ્ય કોઈ ઉત્સવથી કમ નહોતું, જેમાં ગામના નાના-મોટા તમામ લોકો ભાવુક હૈયે જોડાયા હતા.
ગુરુદક્ષિણા: નિવૃત્તિ સમયે રૂ.૧.૫૧ લાખનું દાન
શિક્ષક હિતેશકુમાર માત્ર જ્ઞાન જ નહોતા આપતા, પણ તેઓ પર્યાવરણ અને પશુ-પક્ષી પ્રેમી પણ છે. તેમની સેવાની સુવાસ છેક ગાંધીનગર સુધી પહોંચી છે અને તેમને અનેક રાજ્ય કક્ષાના એવોર્ડ મળ્યા છે. પોતાની નિવૃત્તિના આ પાવન અવસરે તેમણે શાળા પ્રત્યેનું ઋણ અદા કરતા રૂપિયા ૧,૫૧,૦૦૦નું દાન વસ્તુ સ્વરૂપે શાળાને અર્પણ કર્યું હતું, જે તેમની ઉદારતા અને શાળા પ્રત્યેના લગાવનું પ્રતીક છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને ઉદબોધન
ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને ધાર્મિક જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ઉક્તિને હિતેશભાઈએ સાર્થક કરી છે. વાલ્લા ગામ ભાગ્યશાળી છે કે તેને આવા આદર્શ શિક્ષક મળ્યા.

શિક્ષક હિતેશકુમારે ભાવુક થઈ જણાવ્યું કે, જેમ દીકરી સાસરે જાય અને આખું ગામ વળાવવા આવે, તેમ આજે ગ્રામજનો મને વળાવવા આવ્યા છે. મેં અહીં રાત-દિવસ જોયા વિના માં સરસ્વતીની સાધના કરી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો, અને વિવિધ શિક્ષક સંઘના હોદ્દેદારોએ હાજરી આપી હિતેશભાઈના સેવાકાર્યને બિરદાવ્યું હતું. વાલ્લા ગામનો આ પ્રસંગ સાબિત કરે છે કે જો શિક્ષક નિષ્ઠાવાન હોય, તો સમાજ તેને ભગવાનની જેમ પૂજે છે.
